ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હવે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મદદની ખાતરી આપી છે.
કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયેલા ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકાર આગળ આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 07923251900 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.
જો તમારા કોઈ પરિવારજનો, સંબંધીઓ કે કોઈ મિત્રો ઉત્તરાખંડના પ્રવાસે હોય તો તમે તેની માહિતી રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમને આપી શકો છો. તે માટે તમે 07923251900 નંબર પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર ગુજરાતીઓને પરત લાવવા માટે સક્રિય થઈ છે.
રાજકોટથી ચારધામની યાત્રાએ ગયેલા 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામી અને તેમના પુત્ર પણ ચારધામની યાત્રાએ ગયા છે. તેમણે કહ્યું કે, અહીં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હાલ પણ ભારે વરસાદ ચાલુ છે.