બુધવારે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં એસ.ટી.નિગમના કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જતા એસ.ટી.બસો ગુરૂવારે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવનાર હોવાનું કર્મચારીઓ આગેવાનોનું કહેવું છે.વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસટી કર્મચારીઓના હિતમાં 18માંથી 10 માગણીઓ સ્વીકારવામાં આવી છે.
કર્મચારી સંકલન સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ સમાધાન મુજબ પાંચ ટકા ડીએ આપવામાં આવશે, બે વર્ષનું બોનસ તા.૧ નવેમ્બર સુધીમાં ચુકવી દેવાશે. , ડ્રાઇવરનો ગ્રેડ પે ૧,૮૦૦ થી વધારીને ૧,૯૦૦ રૂપિયા કરાશે, કંડક્ટરનો ગ્રેડ પે ૧,૬૫૦ થી વધારીને ૧,૮૦૦ રૂપિયા કરાશે. ગ્રેડ પે નો અમલ પણ તા. ૧ નવેમ્બરથી લાગુ કરાશે.
સાતમાં પગાર પંચનો ત્રીજો હપ્તો ચુકવી દેવાશે, ફિકસ પગારના કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેમના પરિવારને ચાર લાખની સહાય ચુકવાશે. માંગણીઓ સરકારે માન્ય રાખી હોવાથી એસ.ટી.કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
જો એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોત તો 8 હજાર જેટલી બસ થંભી ગઇ જાત અને તેના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.