અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ચલાવતા બે પેડલરો ક્રાઈમ બ્રાંચની ગિરફ્તમાં આવી ગયા છે. રાજ્સ્થાનના જોધપુરથી એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવી તેનુ વેચાણ કરવામાં આવે તે પહેલા બન્ને આરોપીને ઝડપી ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જોકે આરોપીએ પોલીસને ચકમો આપવા માટે પોતાની મોડસઓપરેન્ડી પણ બદલી હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાચંની કસ્ટડીમાં રહેલા આ બે આરોપી તારીક શેખ અને તાહિરહુસેન કુરેશી છે. આ બન્ને આરોપી અમદાવાદના દરિયાપુર અને બારેજા વિસ્તારમાં એમડી ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, બન્ને આરોપી જોધપુર ખાતે એમડી ડ્રગ્સ લેવા ગયા છે. જેના આધારે ચિલોડાથી નરોડા રોડ પર વોચ ગોઠવતા પોલીસને બન્ને આરોપી અલગ અલગ બસમાંથી મળી આવ્યા હતા. જેની તપાસ કરતા 25 લાખની કિંતમનુ 250 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે.