વડાપ્રધાન મોદી ઈટાલી-બ્રિટનના પ્રવાસે, જી-૨૦ સમિટમાં ઉઠાવશે વિવિધ મુદા

યુરોપ પ્રવાસ દરમિયાન ઈટાલીમાં ૩૦મી ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી બે દિવસની જી-૨૦ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામેની લડત, અફઘાનિસ્તાનમાં સ્થિતિનો સામનો કરવા સંયુક્ત વૈશ્વિક અભિગમ પર ભાર મૂકશે. વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ ૨૯મી ઑક્ટોબરથી શરૂ થશે અને બીજી નવેમ્બરે તેઓ પરત ફરશે. આ સમયમાં તેઓ ૧૬મી જી-૨૦ની બેઠક અને કોપ-૨૬ની વર્લ્ડ લીડર્સ સમિટમાં હાજરી આપશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈટાલીના વડાપ્રધાન મારિઓ ડ્રેઘીના આમંત્રણથી વડાપ્રધાન મોદી ૩૦-૩૧ ઑક્ટોબરે ૧૬મી જી-૨૦ બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સૌપ્રથમ વખત વર્ષ ૨૦૨૩માં જી-૨૦ સમિટનું આયોજન કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી યુરોપના પ્રવાસમાં ઈટાલીમાં ડ્રિઘે અને બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન સહિત કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. રોમથી મોદી પેરીસમાં ૩૧મી ઑક્ટોબરથી ૨ નવેમ્બર વચ્ચે ૨૬મી કોન્ફરન્સ ઓફ પાર્ટીસ (સીઓપી-૨૬)ની વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રની આ બેઠકમાં ૧૨૦ દેશોથી વધુની સરકારોના વડા ભાગ લેશે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીઓપી-૨૬ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવા પર ભાર મુકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *