ભારતમાં ફેકન્યુઝ, ખોટી માહિતી, ભડકાઉ કન્ટેન્ટ પોસ્ટને રોકવામાં ફેસબુકને પણ સફળતા મળી ન રહી હોવાનો ફેસબુકના જ ડઝનેક આંતરિક રિપોર્ટમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. આ એનાલિસિસ પણ ફેસબુકના કર્મચારીઓ અને સંશોધકોએ જ કરેલું છે. મીડિયા હાઉસના એક વૈશ્વિક જૂથે ‘ફેસબુક પેપર્સ’ નામે આ તમામ માહિતી જાહેર કરી દીધી છે. આ જૂથમાં ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ પણ સામેલ છે. ફેસબુકના પૂર્વ પ્રોડક્ટ મેનેજર ફાંસેસ હૉજેને આ દસ્તાવેજો ભેગા કર્યા છે. તેના આધારે તેઓ સતત ફેસબુકના વર્ક કલ્ચર, આંતરિક ખામીઓ વગેરેને લગતા ખુલાસા કરી રહ્યાં છે.
ભારતમાં નકલી એકાઉન્ટ્સથી ખોટા સમાચારો ફેલાવીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરાય છે. તેની સંપૂર્ણ માહિતી ફેસબુક પાસે છે, પરંતુ તેણે એવી સિસ્ટમ જ નથી બનાવી કે, તે આ ગરબડોને રોકી શકે. આ પ્રકારનું કન્ટેન્ટ રોકવા કંપનીએ જેટલું બજેટ નક્કી કર્યું છે, તેનો 87% ખર્ચ એકલા અમેરિકામાં થાય છે. ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોન પણ કહે છે કે, ‘ફેસબુકની મદદથી ભારતમાં કોઈ ચોક્કસ ધર્મના લોકો કે સમાજ વિરુદ્ધ દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તેને કાબુમાં લેવા અમે હાઈટેક સિસ્ટમ બનાવી રહ્યા છીએ.’
2019ની લોકસભા ચૂંટણીઓ બાદ હાથ ધરવામાં આવેલા એક અલગ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાંથી મળેલા 40 ટકા ટોપ વ્યૂઝ ફેક અથવા ગેરમાન્ય હતા. આ ઉપરાંત 30 ટકા ઇમ્પ્રેશન પણ ગેરમાન્ય હતી. એડવર્સિયલ હામર્ફુલ નેટવર્ક્સ : ઇન્ડિયા કેસ સ્ટડી શીર્ષક ધરાવતા રિપોર્ટમાં સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે ફેસબુક પર ભ્રામક માહિતી આપનારા એન્ટિ મુસ્લિમ પેજ અને ગૃપ પણ છે, જેમાંથી મોટાભાગના ગૃપ અને પેજ કોરોના મહામારી દરમિયાન જાણકારીમાં આવ્યા હતા.
ફેસબુકને ભારતમાં પ્રચારિત, પ્રસારિત અને વાંધાજનક સામગ્રી વિશે સંપૂર્ણ માહિતી છે. પરંતુ તે આ બધુ કરતા સંગઠનો, જૂથો સામે કાર્યવાહી કરવાથી ડરે છે. કારણ કે, આવા મોટા ભાગના એકાઉન્ટ કે પેજ રાજકીય છે.