જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં ભંગાણ

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં આજે મોટું ભંગાણ સર્જાયું છે, અને જામનગર જિલ્લા ‘આપ’ સંગઠનના જિલ્લા પ્રમુખ સહિતના 70 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેતાં આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક હોદ્દેદારોની રજૂઆતને સાંભળવામાં આવતા ન હોવાથી અને અવગણના થતી હોવાથી સામૂહિક રાજીનામાં આપ્યાનું જણાવાયું છે.

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ સભાડીયાની આગેવાનીમાં રવિવારે સાંજે આમઆદમી પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા, અને 70થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા ધરી દેતાં ભારે હડકંપ મચી ગયો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન દ્વારા જામનગર જિલ્લાના નેતાઓની સતત અવગણના કરવામાં આવી રહી છે, અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાર્ટીની વિચારધારા મુજબ કોઇ રજૂઆત કે વિરોધ કરવામાં આવે તો તુરત જ તેઓને પાર્ટીમાંથી દૂર કરી દેવામાં આવે છે. પ્રદેશ સંગઠનમાં નિર્ધારિત વ્યક્તિનો આહમ છે. જેને લઇને જામનગર જિલ્લાના સંગઠન માં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો.

જેના પરિણામ સ્વરૂપે જામનગર જિલ્લાના ‘આપ’ના પ્રમુખ ભાવેશભાઇ સભાડીયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે, જેની સાથે સાથે જામનગર જિલ્લા આપ કિસાન સંગઠનના સુનિલભાઈ ચીખલીયા તેમજ જામનગર જિલ્લા અને 6 તાલુકા સંગઠનના 70 જેટલા હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં આપી દેતાં આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા અવગણના યથાવત રહેશે તો તમામ અન્ય સભ્યો પણ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *