ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ‘પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન’ (AYUSHMAN BHARAT HEALTH INFRASTRUCTURE MISSION) યોજનાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર માટે 5189 કરોડ રુપીયાથી વધુ 20 વિભિન્ન વિકાસ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
પાંચ વર્ષ સુધી ચાલનારી ‘પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન’ યોજના માટે બજેટમાં 64,180 કરોડ રૂપીયાની જોગવાઇ કરવામા આવી છે. જેની ઘોષણા 2021-22ના કેન્દ્રીય બજેટમાં કરવામા આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના અંતરીયાળ વિસ્તારમાં પ્રાથમીક, માધ્યમિક અને તૃતીયક દેખરેખ સ્વાસ્થ્ય પ્રણાલીની ક્ષમતા વિકસાવવાનો છે. આ યોજનામાં 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના વિકાસ માટે ટેકો પૂરો પાડવા અને તમામ જિલ્લાઓમાં સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ અને 11 રાજ્યોમાં 3,382 બ્લોક જાહેર આરોગ્ય એકમોની સ્થાપના, ‘ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ’ સ્થાપવામાં મદદ કરવાના લક્ષ્યોનો સમાવેશ થાય છે. 12 કેન્દ્રીય સંસ્થાઓમાં, રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્ર અને તેની પાંચ પ્રાદેશિક શાખાઓ અને 20 મહાનગર આરોગ્ય દેખરેખ એકમોને મજબૂત બનાવવું છે.
સરકારે દાવો કર્યો છે કે આ યોજના અંતર્ગત દરેક જિલ્લાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવશે. જે તેને આત્મનિર્ભર બનાવશે. આ યોજના અંતર્ગત સરકાર પાંચ વર્ષ દરમિયાન 64 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આઇસીએમઆર અને એનસીડીસીની 15 બીએસએલ-3 લેબોરેટરી તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલોમાં બેડ અને અન્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.