ગુજરાત ATSએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી ખોટી રીતે VOIP એક્સચેન્જ ખોલનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે અમદાવાદની સાથો સાથ મુંબઈમાં પણ દરોડા પાડીને 2 લોકોને પકડી સંખ્યાબંધ સિમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે.
વિદેશથી આવતા કોલને લોકલ કોલ બનાવીને દેશના અર્થતંત્રને નુકસાન કરનાર ગેંગના સભ્યોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ATSએ જુહાપુરામાં સકીદ એપાર્ટમેન્ટમાં રેડ પાડીને મોહમદ શાહિદ લિયાક્ત અલીની ધરપકડ કરી તેની પાસેથી 139 સિમ કાર્ડ સહિત લેપટોપ, સિમ્બોક્સ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીની તપાસમાં મુંબઈમાં પણ દરોડા પાડીને સજ્જાદ સૈયદની ધરપકડ કરીને તેની પાસેથી 115 સિમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ગલ્ફ દેશોમાંથી ભારતમાં જે કોલ આવતા હોય છે, તેમાં ઈન્ટરનેશનલ ચાર્જ લાગતા હોય છે. પરંતુ બેહરિનમાં રેહતો આરોપી નજીબ તેના સગીરતો અમિત અને સોહેલની મદદથી આ રેકેટ ચલાવતો હતો. નજીબ ત્યાં કોલિંગ કાર્ડ વેંચી દેતો હતો અને ભારતમાં આરોપીઓ VOIP એક્સસચેન્જ ઉભી કરીને dotની ગાઈડ લાઈન વિરુદ્ધમાં ભારતમાં રીસીવરને મોકલી આપી કોલ કરનારની ઓરીજનલ આઇડેન્ટી છુપાવીને આ રેકેટ ચલાવતા હતા. જેમાં ભારતના આરોપીઓને કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. આ સીમકાર્ડની વ્યવસ્થા પૂનામાં રહેતા અમિતે કરી હોવાનું તપાસમાં ખુલ્યું.
આ કૌભાંડમાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક આરોપી નજીબ છે જે બહેરીનથી સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. અન્ય 2 આરોપીઓમાં પૂનામાં રહેતો અમીત અને ગોવામાં રહેતા શોહેલ દ્વારા વિવિધ કંપનીના સીમકાર્ડ અને સોફ્ટવેર પૂરું પાડવામાં આવતું હતું. અમદાવાદથી ઝડપાયેલા આરોપી શાહિદ લિયાક્ત દ્વારા કોલ રૂટ કરવાનું સેટઅપ અમદાવાદના જુહાપુરામાં કર્યું હતું. આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી જેને કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે.