સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવેથી દુનિયા ફેસબુકને ‘મેટા’ તરીકે ઓળખશે. ફાઉન્ડર માર્ક જુકરબર્ગે ગુરૂવારે એક મીટિંગ દરમિયાન આની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી.
ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે કંપની માત્ર સોશિયલ મીડિયા કંપનીમાંથી “મેટાવર્સ કંપની” બનશે અને “એમ્બેડેડ ઈન્ટરનેટ” પર કામ કરશે. જે પહેલા વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાને જોડશે.
મેટાવર્સ’ કોન્સેપ્ટ ફેસબુક અને અન્ય મોટી કંપનીઓ માટે પ્રોત્સાહક છે કારણ કે તે નવા બજારો, નવા પ્રકારના સોશિયલ નેટવર્ક્સ, નવા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને નવી પેટન્ટ માટે તકો ઊભી કરે છે. ફેસબુકે આ નામ ત્યારે બદલ્યું છે જ્યારે કંપની પર ઘણા દેશોમાં ઓનલાઈન સેફ્ટી અને ભડકાઉ કન્ટેન્ટ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભારત સરકારે પણ ફેસબુકને પત્ર લખીને સોશિયલ મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની વિગતો માંગી છે.
ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને મેટા કરી દેવું કોઈ મોટી વાત નહોતી. હવે આ નવા નામ દ્વારા તેઓ આખી દુનિયા સામે પોતાને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતા સીમિત નહીં રાખે.