સરદારનગરમાં એક પીસીઆર વાન ફરતી હતી. સર્કલ પાસે ઉભી હતી અને એક પછી એક દુકાનદાર વાનમાં બેઠેલા પોલીસ કર્મીને પૈસા આપી રહ્યા હોય તેવો વીડિયો ફરતો થયો હતો. સોશિયલ મીડિયામાં જોતજોતામાં આ વીડિયો ફરી વળતા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી હતી.દિવાળી નિમિતે વેપારીઓ પાસેથી દુકાન દીઠ ૫૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હોવાની વાત હાલમાં ચર્ચામાં છે.
બે માસ પહેલા સરદારનગર પોલીસ સ્ટેશનમાં પીઆઇ, એસીપી, અને ડીસીપીની હાજરીમાં વેપારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ હેરાનગતિના કિસ્સામાં તાત્કાલિક ફરિયાદ કરવાની, પુરાવા બતાવવાની , ફોટા કે વીડિયો ઉતારીને રજુ કરવાની સલાહ વેપારીઓને અપાઇ હતી. તપાસમાં જો પોલીસ અધિકારી દોષી સાબિત થશે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની હૈયાધારણા વેપારીઓને અપાઇ હતી.