અમદાવાદમાં સાબરમતીમાં રહેતા અને પાણીનો વેપાર કરતાં મૌલીક નરેન્દ્ર પ્રજાપતિએ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી કે આ શખ્સો પૈકી ભરત જગુભાઇ ગીડાએ અને મહેશ વાળાએ ત્રણ માસ પહેલાં હાઇવે પર આવેલી હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા જયાં હાજર સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેકટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રા સાહેબના પીએ રાજુ ભાઇ તરીકે ઓળખ આપી હતી અને કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને સસ્તા ભાવે આપવાની વાત કરી વેપારીને 1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી.
વેપારી પાસેથી નાણાં પડાવવા માટે 30 લાખ સુધીની મદદ ભરત ગીડા કરશે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ વેપારીને સમા સાવલી રોડ પર હોટલ રોયલ કિંગ ખાતે બોલાવી ભરત ગીડાએ 30 લાખ આપવાનો ડોળ કર્યો હતો અને વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના 4 જણાને પકડી લીધા હતા.
અમદાવાદના વેપારીને કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપીને વડોદરા હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી ડોલમાં વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારી પાસેથી 30 લાખ પડાવી 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે ચાર ભેજાબાજોને ઝડપી પાડયા હતા.