અયોધ્યા દીપ પ્રાગટ્ય: રામનગરી 12 લાખ દીવડાથી ઝગમગશે, દીપ પ્રગટાવવા માટે 36,000 લીટર તેલ વપરાશે

ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં અયોધ્યા ખાતે રામ કી પૌડી પર દીપોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ગત વર્ષે ૨૦૨૦માં ૫ લાખ ૫૧ હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારપછી ૨૦૨૧માં યોગી સરકારના આ કાર્યકાળના અંતિમ વર્ષમાં અયોધ્યા પોતાના તમામ પાછલા રેકોર્ડ તોડશે અને એક એવો કીર્તિમાન સ્થાપિત કરશે જે એક મોટા પડકાર સમાન હશે.  રામનગરી અયોધ્યામાં રામ કી પૌડી ખાતે આ વર્ષે આશરે ૯ લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. બાકી અયોધ્યામાં ૩ લાખ દીવડા પ્રજ્વલિત થશે અને આ રીતે બધા મળીને કુલ ૧૨ લાખ દીવડા પ્રજ્વલિત થશે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝની ટીમ તેની ગણતરી કરશે.

અયોધ્યામાં બુધવારે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સવારે ૧૦:૦૦ વાગ્યે ભગવાન શ્રી રામની શોભાયાત્રા અને ઝાંખીઓ કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી શરૂ થઈને રામકથા પાર્ક પહોંચશે. તેમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ સામેલ થશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા રામ-સીતાનું આગમન થશે, ભરત મિલાપ અને રામાયણ ચિત્ર પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

અયોધ્યામાં આ વર્ષે દીપ પ્રાગટ્યની સંખ્યા ગત વર્ષની તુલનાએ ખૂબ જ વધારે છે. માત્ર રામ કી પૌડી પર જ આશરે ૯ લાખ દીપક પ્રગટાવવામાં આવશે. રામ જન્મભૂમિ પરિસરમાં ૫૧,૦૦૦ દીપ પ્રગટાવવામાં આવશે, અયોધ્યાના પ્રાચીન મંદિરો અને સ્થળોએ ૩ લાખ કરતા પણ વધારે દીપ પ્રગટાવવામાં આવશે. તે ઉપરાંત અયોધ્યાની ૧૪ કોસી પરિક્રમાની અંદર લગભગ તમામ પૌરાણિક સ્થળો, કુણ્ડો, મંદિરો ખાતે દીવડા પ્રગટાવવામાં આવશે. એટલું જ નહીં, અયોધ્યા સિવાય બસ્તી જનપદના મખોડા ધામ સહિત ૮૪ કોસી પરિક્રમાની અંદર આવતા અનેક સ્થળે પણ દીવડા પ્રગટાવવામાં આવશે.

અયોધ્યામાં રામ કી પૌડી હોય કે પછી રામ જન્મભૂમિ પરિસર, જ્યારે દીવડાઓની રોશની જોવા મળશે ત્યારે અનેક બાળકોના ચહેરા પર પણ ખુશી જોવા મળશે. હકીકતે તે બાળકોએ જ આ દીપોત્સવ માટે આકરી મહેનત કરી છે. દીપોત્સવમાં આ વખતે ૪૫ સ્વયંસેવી સહાયતાના લોકો ઉપરાંત ૧૫ મહાવિદ્યાલય, ૫ કોલેજ, ૩૫ રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વોલેન્ટિયર તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેની કુલ સંખ્યા ૧૨ હજાર જેટલી છે. આ તમામ દીવડાઓને પ્રગટાવવા માટે ૩૬,૦૦૦ લીટર સરસિયાનો ઉપયોગ કરવામાં આવશે. તેમને ૩૨ ટીમોમાં અલગ અલગ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *