ઉત્તર પ્રદેશમાં સીબીઆઈની ટીમે ૧૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના બાઇક બોટ કૌભાંડની તપાસ માટે એક FIR દાખલ કરી છે. આ કૌભાંડ પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસથી પણ મોટું છે. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સ્થિત બાઇક બોટના મુખ્ય મેનેજમેન્ટ ડાયરેક્ટર સંજય ભાટીએ અન્ય ૧૪ લોકો સાથે મળીને દેશના રોકાણકારો સાથે કુલ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
બાઇક બોટ કૌભાંડમાં આરોપીએ બાઇક ટેક્સી સેવાની આડમાં બાઇક બોટના નામથી આકર્ષક રોકાણ યોજનાઓ બનાવી હતી. જેમાં એક ગ્રાહક ૧,૩,૫ અથવા ૭ બાઇકમાં રોકાણ કરી શકતો હતો. રોકાણકારોને માસિક ભાડુ, EMI અને બોનસ, ઉપરાંત વધુ રોકાણકારોને જોડવા પર ઇન્સેન્ટીવ જેવી લાલચ પણ આપવામાં આવી હતી. કંપનીએ અલગ અલગ શહેરોમાં ફ્રેન્ચાઇઝી પણ ફાળવી હતી પણ શહેરોમાં બાઇક અને ટેક્સીઓનું સંચાલન મુશ્કેલીથી થતું હતું.
ઓગસ્ટ, ૨૦૧૭માં યોજનાઓ શરૃ કરવામાં આવી હતી અને રોકાણકારો પાસેથી નાણા મેળવવામાં આવ્યા હતાં. રોકાણકારોને ૨૦૧૯ સુધી વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
નવેમ્બર, ૨૦૧૮માં કંપનીએ ઇ બાઇક માટે આવા જ પ્રકારની યોજના જારી કરી હતી. ઇ બાઇકની સભ્ય બનવાની રકમ નિયમિત પેટ્રોલ બાઇક માટેની રોકાણ રકમ કરતા બમણી હતી.રોકાણકારોની ફરિયાદો નોઇડા એડમિનિસ્ટ્રેશનની સાથે સાથ પોલીસ અધિકારીઓને મળી હતી તેમ છતાં તેમણે કોઇ કાર્યવાહી કરી ન હતી.
આ ઉપરાંત એસએસપી અને એસપી ક્રાઇમે ફરિયાદકર્તાઓ પર પોતાની ફરિયાદ પરત લેવાનું દબાણ નાખ્યું હતું. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંજય ભાટી અને તેમના સાથીઓએ સુનિયોજિત કાવતરા હેઠળ રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે.