દર વર્ષે ભાઈ બીજ કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ પાંચ દિવસીય દિવાળી તહેવારનો અંત પણ દર્શાવે છે. ભાઈ બીજનો તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે. આ દિવસે, બહેન તેના કપાળ પર તિલક લગાવીને તેના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નારિયેળ પણ આપે છે.
આ પછી ભાઈ તેની બહેનને પ્રેમના રૂપમાં ભેટ આપે છે. એવું કહેવાય છે કે ભાઈ દૂજનો ઈતિહાસ યમરાજ અને તેની બહેન યમુના સાથે જોડાયેલો છે. આ કારણથી આ તહેવારને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. આજે 6 નવેમ્બરે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો આ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. અહીં જાણો કેવી રીતે આ તહેવારની શરૂઆત થઈ અને ભાઈને તિલક કરવાનો શુભ સમય કયો છે.
બહેનો તેમના ભાઈને ભાવથી જ તિલક કરતી હોય છે. પણ, કહે છે કે જો ખાસ વિધિ સાથે તૈયાર કરવામાં આવેલું તિલક ભાઈને કરવામાં આવે તો, ભાઈના જીવનમાં આવનારા વિઘ્ન દૂર થઈ જાય છે. અને પ્રગતિના તમામ દ્વાર ખૂલી જાય છે ! આવો આપણે પણ તે ખાસ તિલક તૈયાર કરવાની વિધિ જાણીએ.
ભાઈ દૂજના દિવસે તિલકનો શુભ સમય સવારે 10:30 થી 11:40, પછી બપોરે 01:10 થી 03:21, સાંજે 06:02 થી 07:30 સુધીનો રહેશે. દ્વિતિયા તિથિ 6 નવેમ્બરે સાંજે 07:44 કલાકે સમાપ્ત થશે.
તિલક બનાવવાની વિધિ
1. તિલક તૈયાર કરવા માટે ચાંદીની કે પિત્તળની વાટકી લો.
2. વાટકીમાં કેસરના 27 જેટલાં તાંતણા નાંખો.
3. કેસરમાં શુદ્ધ લાલ ચંદન અને ગંગાજળ ઉમેરો.
4. ત્યારબાદ તિલકને ઘરમાં પૂજાના સ્થાન પર શ્રીવિષ્ણુના ચરણોમાં મૂકો.
5. 27 વખત “ૐ નમો નારાયણ” મંત્રનો જાપ કરો.
6. આ તિલકથી સર્વ પ્રથમ ગણેશજીને અને વિષ્ણુજીને તિલક કરવું.
7. ભાઈનું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે તેને બેસાડીને બહેને તિલક કરવું.
8. બંન્નેવે એકબીજાને મીઠાઈ ખવડાવી પરસ્પરના કલ્યાણની કામના કરવી.
9. માન્યતા અનુસાર આ વિધિથી સર્વોત્તમ કૃપાની પ્રાપ્તિ થશે. તેમજ ભાઈની સઘળી કામનાઓની પૂર્તિ થશે.