રીક્ષચાલાક આંદોલન : ૧૫ અને ૧૬ નવેમ્બરે રાજ્યભરના રીક્ષા ચાલકો ૩૬ કલાક માટે કરશે હડતાળ

CNG ગેસના ભાવ વધારાને લઈને અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષાચાલક તથા ટેક્સીચાલક યુનિયનના પ્રતિનિધિઓની બેઠક યોજવાની છે. અમદાવાદ ખાતે યોજાનારી આ બેઠકમાં હવે ટેક્સીચાલકો પણ રિક્ષાચાલકોના આંદોલનમાં જોડાયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં CNG ગેસના ભાવ વધારા સામે લડવું તે અંગે ચર્ચા કરવામાં આવશે. રિક્ષાચાલકો આગામી ૧૫મી અને ૧૬મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવ વધારા અંગે ૧૪ તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ કરશે. ઉપરાંત ૧૫ અને ૧૬ તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં ૧૫ લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે.

આવતીકાલે રાજ્યભરના અલગ અલગ રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. ત્યારબાદ ૧૨ તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરી ૧૪ નવેમ્બરના રોજ કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે.આ આંદોલનમાં CNG ના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ અગાઉ મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે ૧૮ રૂપિયાથી વધારી મિનિમમ ભાડું ૨૦ રૂપિયા કરવાની માંગ કરી હતી. રીક્ષા ચાલકોએ પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ કરી છે.

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા અંગે નિર્ણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી ૧૫-૧૬ ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા વધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *