તમિલનાડુમાં ગત ૪દિવસથી વરસાદે પુરની સ્થિતિ સર્જી છે. દરેક રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી તળાવ જેવા દેખાઈ રહ્યાં છે. બુધવારે હવામાન વિભાગ દ્વારા કુડ્ડાલોર, વિલુપ્પુરમ, શિવગંગા, રામનાથપુરમ અને કરાઈકલમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડી ઉપર બનેલો લો પ્રેશર એરિયા ઝડપથી ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. એવામાં સમગ્ર તમિલનાડુ તેમજ પુડ્ડુચેરીમાં વરસાદની આગાહી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને કારણે ૯ જેટલા જિલ્લા ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂર, ચેંગલપટ્ટૂ, કુડુલોર, નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર અને મયિલાદુથરાઈમાં ૧૦ અને ૧૧ નવેમ્બરે લોકલ હોલિડે જાહેર કર્યો છે. કોઈમ્બતૂરની સ્કુલોને પણ આજે બંધ કરી દેવામાં આવી છે. ધોધમાર વરસી રહેલા વરસાદે ઘણા જિલ્લાઓમાં લોકોની સમસ્યાને વધારી દીધી છે.
તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર વરસાદનું પાણી લોકોના ઘરોમાં બે ફુટ સુધી ભરાઈ ગયું છે. મોસમ વિભાગે કુડ્ડુલોર, વિલ્લુપુરમ, પુદુકોટ્ટઈ, શિવગંગા, રામનાથપુરમ અને કરાઈકલમમાં અલગ-અલગ જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત મોસમ વિભાગે નીલગિરી, કોઈમ્બતુર, ઈરોડ, સેલમ, વેલ્લોર, રાનીપેટ્ટઈ, તિરુપટ્ટ, તિરુવન્નમલાઈ, થૂથુકુડી, કુલ્લાકુરિચી અને કરાઈકલ ક્ષેત્રમાં કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. રાહત અને બચાવ કાર્યો માટે NDRFની ટીમોને તહેનાત કરવામાં આવી છે.