ગોરખપુર જિલ્લામાં એક મકાનની છત પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાના આરોપસર તાલીબ, પપ્પૂ, આશિક અને આરિફ નામના ૪ લોકો વિરૂદ્ધ દેશદ્રોહની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીને હવાલાતમાં લીધો છે. આ તરફ આરોપીઓના પરિવારજનોના કહેવા અનુસાર તે ઝંડો ધાર્મિક હતો અને આ મુદ્દો કારણ વગર ચગાવવામાં આવી રહ્યો છે.
બ્રાહ્મણ કલ્યાણ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કલ્યાણ પાંડેની ફરિયાદ પ્રમાણે ચૌરીચૌરા ક્ષેત્રમાં વોર્ડ નંબર ૧૦માં રહેતા તાલિબે પોતાના મકાનની છત પર પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. કોઈએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ ફોટો જોઈને વિશ્વ હિંદુ પરિષદના નેતા અમિત વર્મા, RSSના વીરેન્દ્ર સહિત તમામ ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચી ગયા હતા. તે સિવાય આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને નારાબાજી કરવા લાગ્યા હતા. ઉપરાંત પથ્થરમારો કરીને એક વાહનનો કાચ પણ તોડી દેવામાં આવ્યો હતો. ભીડની ઉગ્રતા જોઈને તાલિબે ઘરની છત પરથી ઝંડો ઉતારી લીધો હતો. પત્થરમારો અને હંગામા બાદ પોલીસે તે વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.