ગુજરાત ATS એ મોરબીના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડનુ હેરોઇન ઝડપ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં ATSની ટીમે ૩ આરોપીઓની અટકાયત કરી પુછપરછ શરુ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ATS એ મોડી રાત્રે આ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર એમ ૩ શકસની અટકાયત કરી હતી. ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા.
મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે. ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગુલાબ હુસૈન અને મુખ્તારે જબ્બારે પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યું હતું. તે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસની ધોંસ વધતાં મોરબીના અંદરિયાળ ગામના મકાનમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. હેરોઈનના આ જથ્થાના તાર ગુજરાત બહાર પણ હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કેન્દ્રની એજન્સીઓને જાણ કરવામાં આવી છે.
મોરબીના ઝીંઝુડા ગામમાં ૧૨૦ કિલો હેરોઈન ઝડપાયું છે તેની અંદાજીત કિંમત ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયાનું હોવાનું માનવામાં આવે છે. આ ઓપરેશન વિશે વાત કરીએ તો મોરબીના ઝીંઝુડામાં ATS ની ટીમ અને SOG ની ટીમનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.