આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક : ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા પર મહોર લાગી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને વહેલામાં વહેલી તકે રદ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર છે. બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે કૃષિ મંત્રાલય સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદા પર ચર્ચા કરવાની તારીખો પર વિચાર કરી રહ્યું છે.

સૂત્રો મુજબ, આ બેઠકમાં ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવવામાં આવી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે પરામર્શ બાદ બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરી શકે છે. પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે 29 નવેમ્બરથી શરૂ થનારા સંસદના આગામી શિયાળુ સત્રમાં કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.

ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા
આ બિલનો ઉદ્દેશ ગયા વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલને પરત ખેંચવાનો છે. 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ભારે જશ્ન મનાવ્યો હતો. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી. તમને જણાવી દઈએ કે ત્રણેય કૃષિ કાયદાની સામે મુખ્ય રૂપે પંજાબ, -પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (MSP)માટે નવું માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે. 2020માં કેન્દ્ર સરકારે કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂતો સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *