રાજસ્થાન થી પકડાયો પાકિસ્તાની જાસૂસ, ISIને મોકલી રહ્યો હતો ગોપનીય માહિતી…

રાજસ્થાનમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરનારા એક શખ્સની રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ટીમે સરહદી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ ફોટોસ્ટેટની દુકાન ચલાવે છે. ધરપકડ કરવામાં આવી છે તે આરોપીનું નામ નિબાબ ખાં છે અને તે ISI માટે જાસૂસીનું કામ કરે છે.

પોલીસ વિભાગમાં ડીજી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, જૈસલમેરના ચાંદન ખાતેથી નિબાબ ખાંની ધરપકડ કરવામાં આવી છે. તે ઘણાં લાંબા સમયથી આઈએસઆઈના સ્થાનિક એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. એટલું જ નહીં, આરોપીને પાકિસ્તાનમાં ટ્રેઈનિંગ પણ આપવામાં આવી હતી.

આરોપી નિબાબ ખાં 2015ના વર્ષમાં પાકિસ્તાન યાત્રાએ ગયો હતો. તે ત્યાં આઈએસઆઈના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન તેને 15 દિવસનું પ્રશિક્ષણ અને 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભારત આવીને તેણે જાસૂસી શરૂ કરી દીધી હતી. તે સિવાય પણ તે 2-3 વખત પાકિસ્તાન ગયો હતો.

ચાંદન ખાતે મુખ્ય રાજમાર્ગ પર નિબાબ ખાંની મોબાઈલ ફોન, સિમકાર્ડ અને ફોટોસ્ટેટની દુકાન છે. આરોપ પ્રમાણે તે દુકાનની આડમાં સ્થાનિક સૈન્ય ગતિવિધિઓની જાણકારી લઈને પોતાના હેન્ડલરને પહોંચાડતો હતો. પોલીસના સ્પેશિયલ યુનિટે તેના મોબાઈલ ફોનમાંથી મળેલા વ્યૂહાત્મક મહત્વના દસ્તાવેજોના આધાર પર શાસકીય ગોપનીયતા કાયદા અંતર્ગત કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *