કેન્દ્રીય પ્રધાન અમિત શાહે અમૂલના 415 કરોડના વિવિધ 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા અમૂલના પ્લાન્ટમાં વિવિધ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે. અમૂલ ડેરી દ્વારા ચાર પ્રોજેક્ટ્સમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી આજે સાંજે અમદાવાદ આવ્યા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારે તેઓ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના દૂધ પાઉડર, પોલિ ફિલ્મ ઉત્પાદન અને અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ધઘાટન કરશે. દૂધનો પાઉડર પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટીક અમૂલ ફેડ ડેરીમાં સ્થાપવામાં આવેલો છે જે ફેડરેશનનું એકમ છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો આ નવો અલ્ટ્રા મોર્ડન મિલ્ક પાઉડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લીટરથી વધારીને 50 લાખ લીટરની કરવામાં આવી છે.

અમિત શાહ જે પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવાના છે તે પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે રીતે 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયમાં તૈયાર થયેલો આ પ્લાન્ટ ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા નહીંવત છે. આ પ્લાન્ટમાં પાણીના પુનવપરાશની વ્યવસ્થા હોવાથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે.

કેન્દ્રીય મંત્રી અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું પણ ઉદ્દઘાટન કરશે જે અમૂલ ફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટમાં 85 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. અમૂલ ડેરીમાં નવી રોબોટીક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદ્દઘાટન પણ કેન્દ્રીય મંત્રી કરવાના છે જેને 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે જે લાંબા સમય સુધી બગડે નહીં તેવા 50 લાખ લીટર દૂધને કાર્ટન પેકેજીંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે.

કેન્દ્રીય સહકાર મંત્રી ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.

અમૂલ ફેડરેશનએ 18 જિલ્લા દૂધ સંઘો, 18563 ગ્રામ સ્તરની દૂધ સહકારી મંડળીઓ અને 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભાસદો સાથે મળીને ભારતમાં સૌથી મોટું ડેરી સહકારી નેટવર્ક છે. આ ફેડરેશન દેશનું સૌથી મોટું ખાદ્ય સંગઠન છે જેનું ગ્રૂપ ટર્નઓવર વર્ષ 2020-21માં 53,000 કરોડ જેટલું હતું અને તેને વર્ષ 2025 સુધીમાં 1 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

અમૂલ ફેડરેશન પાસે 87 જેટલા ડેરી પ્લાન્ટ્સ છે, જેની કુલ દૂધ સંચાલન ક્ષમતા દરરોજ 39 મિલિયન લિટર છે. ગુજરાતમાં તેના વ્યાપક નેટવર્ક ઉપરાંત અમૂલ ફેડરેશન દેશના અન્ય 13 રાજ્યોમાં પણ દૂધ સંપાદન કરે છે જેના માટે તેના કેટલાક સભ્ય દૂધ સંઘોએ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પણ સ્થાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *