મોબાઈલની એવી લત લાગી કે, 5 દિવસથી સૂતો નથી-ખાતો નથી, ઘરવાળાને પણ નથી ઓળખી રહ્યો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના સાહવા કસ્બાના એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી છે કે, તે હવે માનસિક રોગી બની ગયો છે. તે યુવક પોતાના પરિવારજનોને, પોતાના ઘરવાળાઓને ઓળખી નથી રહ્યો અને કશું બોલી પણ નથી શકતો. છેલ્લા એક મહિનાથી પોતાનો કામધંધો છોડીને મોબાઈલમાં લાગેલો આ યુવક છેલ્લા 5 દિવસથી ઉંઘી પણ નથી શક્યો.

જ્યારે તબિયત વધારે બગડવા લાગી ત્યારે તેના પરિવારજનો તેને ચૂરૂની રાજકીય ભરતિયા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈને પહોંચ્યા હતા. ત્યાં મનોચિકિત્સક દ્વારા તે યુવકની સારવાર શરૂ કરવામાં આવી છે. યુવકના કુટુંબી ચાચા અરબાજના કહેવા પ્રમાણે 20 વર્ષીય અકરમ ગામમાં જ વીજળીની મોટરના વાઈડિંગનું કામ કરે છે.

છેલ્લા એક મહિનાથી અકરમ પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલમાં વિતાવવા લાગ્યો હતો. આ લતના કારણે તેણે પોતાનું કામ પણ છોડી દીધું હતું. પરિવારજનો દ્વારા વારંવાર ટોકવામાં આવે છતાં પણ તે પોતાનો મોબાઈલ છોડતો જ નહોતો. છેલ્લા કેટલાક દિવસથી તો તે આખી-આખી રાત મોબાઈલ પર ચેટ અને ગેમ રમતો રહેતો હતો. આ કારણે તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું.

અકરમના માતાએ જણાવ્યું કે, હવે તો તે ખાવાનું પણ નથી ખાતો અને રાતે જ્યારે રૂમમાં ખાવાનું આપવા જાય તો તે ભોજનને પલંગ પર વિખેરી દે છે. માનસિક રોગ વિશેષજ્ઞ ડો. જિતેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે યુવકનો સિટી સ્કેન કરાવવામાં આવ્યો છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *