ગાંધીનગરમાં રાજ્યના ધારાસભ્યોને રહેણાંક સુવિધા માટે નવા 216 લક્ઝુરિયસ 4 બેડરૂમ સહિત સુવિધા ધરાવતા ફ્લેટ ટાઇપ આવાસ રૂપિયા 140 કરોડના ખર્ચે બંધાશે. મંગળવારે માર્ગ અને મકાન મંત્રી, સદસ્ય નિવાસ કમિટી અને વિભાગના અધિકારીઓએ સેક્ટર 17માં સાઇટની મુલાકાત લીધી હતી અને આગામી 28મી ફેબુ્રઆરીએ અથવા બજેટ સત્ર દરમિયાન યોજનાના ભૂમિપુજનનો નિર્ણય લેવાયો હતો.
ઇજનેરોએ વિવિધ 3 વિકલ્પ દર્શાવ્યા હતાં. પરંતુ મંત્રીએ 9 માળના 12 એપાર્ટમેન્ટ બાંધવા કહ્યુ હતું. નોંધવું રહેશે કે પાટનગરમાં કર્મચારીઓ માટે બંધાયેલા સરકારી આવાસ 50 વર્ષ બાદ પણ ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જ્યારે ધારાસભ્યો માટે દર 25 વર્ષે નવા આવાસ બાંધવામાં આવે છે.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે ઇજનેરો દ્વારા 7 માળના 14 બ્લોક એટલે કે 196 ફ્લેટ, 8 માળના 12 બ્લોક એટલે કે 192 ફ્લેટ અને 9 માળના 11 બ્લોક એટલે કે 198 ફ્લેટના વિકલ્પ તૈયાર કર્યા હતાં. પરંતુ હવે 9 માળના 12 બ્લોક બાંધીને 216 ફ્લેટની યોજના પર કામ કરાશે. પરિણામે સિમાંકન બદલાય અને ધારાસભ્યોની સંખ્યા વધે તો પણ ગાંધીનગરમાં તેમના માટે આવાસની ઘટ પડશે નહીં. ફ્લેટમાં 4 બેડરૂમ સહિત 9 રૂમ હશે.
તેમાં ડ્રોઇંગરૂમ, ડાઇનિંગરૂમ, કિચન, સ્ટોરરૂમ, લાયબ્રેરી કમ રીડિંગરૂમ, ડ્રેસિંગરૂમ, 3 એટેચ અને એક કોમન ટોઇલેટ, એટેચ ટોઇલેટ અને અલગ એન્ટ્રી સાથે ડ્રાઇવરરૂમ સહિત સુવિધા અપાશે. જ્યારે જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરીયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટિન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન-આઉટ ગેટ રહેશે.
અધિકારીઓનું ગણિત એવું છે કે 15 ટકા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવે તો હાલની સ્થિતિએ 150 આવાસની જરૂર પડે, પરંતુ હવે વિધાનસભાનું સિમાંકન બદલાય અને બેઠકો વધે તો ધારાસભ્યોની સંખ્યા પણ વધશે. તેથી આગામી 30 વર્ષની સ્થિતિને ધ્યાને રાખીને 216 ફ્લેટનું આયોજન કરાશે.
હાલમાં સેક્ટર 21માં સદસ્ય નિવાસ 30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં છે. નવા સદસ્ય નિવાસ માટે સેક્ટર 17માં 28,366 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે.પરિણામે દરેક ફ્લેટને 210 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા મળે તેવું આયોજન કરાઇ રહ્યું છે. જ્યાં વાહન પાકગ માટે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ કરાશે.
જ્યાં નવા ધારાસભ્ય નિવાસ બંધાવાના છે, તે જુના એમએલએ ક્વાર્ટરના સંકુલમાં 40 વર્ષ કે વધુ ઉંમરના 150 જેટલા વૃક્ષોનું શું થશે તેવા પ્રશ્નના જવાબમાં માર્ગ-મકાન મંત્રીએ કહ્યું કે વૃક્ષો હટાવવા પડશે તો તેને મુળમાંથી ઉપાડીને અન્ય સ્થળે લગાવી દેવામાં આવશે. ત્યારે નોંધવું રહેશે કે આ મુશ્કેલ કામ છે. કેમ કે મોટી ઉંમરના વૃક્ષોમાં ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પરિણામલક્ષી રહેતી નથી. ઉપરાંત ચોક્કસ જાતના વૃક્ષોમાં અને નાની ઉંમરના વૃક્ષો જ અન્યત્ર ખસેડવામાં આવે પછી જીવંત રહે છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગર ખસેડાઇ ત્યારે શરૂઆતમાં સેક્ટર 9માં ધારાસભ્યોને આવાસ અપાયા હતાં. જ્યાં હાલ એરફોર્સના કર્મચારીઓ રહે છે. ત્યાર બાદ વર્ષ 1971માં સેક્ટર 17માંમાં એમએલએ ક્વાર્ટર બાંધવામાં આવ્યા અને 1995માં સેક્ટર 21માં નવા સદસ્ય નિવાસ નામે કોલોની બાંધવામાં આવી હતી. હવે ફરીથી 25 વર્ષ બાદ જુના એમએલએ ક્વાર્ટર કે જેને જોખમી જાહેર કરીને ખાલી કરાવાયા છે, ત્યાં નવેસરથી ધારાસભ્યો માટે નવા ફ્લેટ ટાઇપ આવાસ બાંધવામાં આવનાર છે.
પ્રજાની સેવા કરવા ચૂંટાયેલા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સરકારી લાભ મેળવવાની એકેય તક છોડતા નથી. એક બાજુ, લોકો મોંઘવારીના મારમાં પિસાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના ધારાસભ્યો માટે પાટનગર ગાંધીનગરમાં હેલ્થ કલબ,વોકિગ ટ્રેક,જીમ ઉપરાંત ગાર્ડન સહિતની સુવિધાથી સજજ એમએલએ કવાટર્સ બનાવવા નક્કી કરાયુ છે. પ્રજાના ટેક્સના પૈસે ધારાસભ્યો હવે વૈભવી ઠાઠ ભોગવશે.
પ્રજાલક્ષી મુદ્દાઓને લઇને રાજકારણ ખેલતાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્તિગત લાભ મળતો હોય ત્યારે ભાઇ-ભાઇ જેવો માહોલ રચે છે. એકેય ધારાસભ્ય લાભ જતો કરવા તૈયાર નથી. ગત મહિને જ ધારાસભ્યોનો પગાર વધારો કરાયો હતો તે વખતે પણ ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યએ હળવેકથી નાણાંકીય લાભ લઇ લીધો હતો.
આ જ ધારાસભ્યોને હવે પાટનગર ગાંધીનગરમાં એમએલએ કવાટર્સમાં રહેવાનુ ગમતુ નથી. ક્વાટર્સમાં સુવિધાઓ ઓછી પડે છે. આ રજૂઆતોને પગલે નવી સરકારે ધારાસભ્યોને પ્રજાના ટેક્સના પૈસે વૈભવી ઠાઠથી રહેવા નવા ક્વાટર્સ આપવા નકકી કર્યુ છે. નોંધનીય વાત તો એછેકે, મોટાભાગના ધારાસભ્યો એમએલએ કવાટર્સમાં રહેતા જ નથી. કાં તો તેમના કુંટુબીજનો આૃથવા મિત્રો રહે છે.
ખાદીના લેંઘા-ઝભ્ભા પહેરી પ્રજાની સેવા કરવા ચૂંટાયેલાં પ્રતિનિધીઓ માટે હવે સરકાર રૂા.140 કરોડના ખર્ચે નવા કવાટર્સ બનાવી રહી છે. આ ક્વાટર્સમાં જીમ, પ્લે ગ્રાઉન્ડ, વોકિંગ ટ્રેક, ગાર્ડન, ઓડિટોરિયમ, કેન્ટીન સહિતની અનેક વિધ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. ટૂંકમાં, ગુજરાતની પ્રજા અનેક વિધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે ત્યાર ધારાસભ્યોને તમામ સુવિધાઓથી સજજ્ કવાટર્સમાં રહેવાનો રસ જાગ્યો છે અને નવી સરકારે પણ ધારાસભ્યો માટે વધુ રસ દાખવ્યો છે.