બૅન્કના ખાનગીકરણ માટે કાયદાના સુધારાના વિરોધબૅન્ક કર્મચારીઓ આગામી ૧૬મી અને ૧૭મી ડિસેમ્બરે બે દિવસની હડતાલ

બે રાષ્ટ્રીયકૃત બૅન્કોના ખાનગીકરણ અને બૅન્કના કાયદાઓનું સુધારા કરતાં ખરડાના વિરોધમાં બૅન્ક કર્મચારીઓ આગામી ૧૬મી અને ૧૭મી ડિસેમ્બરે બે દિવસની હડતાલ પાડશે. સોળમી અને ૧૭મી ડિસેમ્બરે ગુરૃવાર અને શુક્રવાર આવતો હોવાથી બે જ દિવસ બૅન્કો બંધ રહેશે.  ત્યારબાદ ત્રીજો શનિવાર હોવાથી બૅન્કોનું કાર્ય ચાલુ રહેશે. પરિણામે ચાર દિવસ બૅન્કો બંધ રહેવાની શક્યતા ઓછી છે. આ સાથે જ ભારત સરકાર બે રાષ્ટ્રીયકૃત બૅન્કોનું ખાનગીકરણ કરવા સક્રિય થઈ છે. તેના વિરોધમાં પણ આ હડતાલ પાડવામાં આવી રહી હોવાનું ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનનું કહેવું છે.

બૅન્કમાંથી રોકડનો ઉપાડ કરવાની કે ચૅક ક્લિયર કરવાની કામગીરી અટકાવી દેવામાં આવશે. તેમ જ દેખાવો અને ધરણા યોજવામાં આવશે. કેન્દ્ર સરકારને રાષ્ટ્રીયકૃત બૅન્કોના ખાનગીકરણમાં સરળતા રહે તે માટે સરકાર બૅન્કના કાયદાઓમાં સુધારો દાખલ કરવા માટે સંસદમાં શિયાળુ સત્રમાં ખરડો લાવી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં પણ નાણાં મંત્રી નિર્મલા સીતારામને બે રાષ્ટ્રીયકૃત બૅન્કોના ખાનગી કરણના સરકારના ઇરાદાનો નિર્દેશ આપ્યો હતો. જોકે તેમણે આ બે બેન્કોના નામ આપ્યા નહોતા. પરંતુ સરકાર તેના રૃા. ૧.૭૫ લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટને અંજામ આપવા માટે આ સુધારા દાખલ કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ બે બેન્કમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક હોવાનું માનવામાં આવી રહ્યું ચે.

શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવનારા ખરડાના માધ્યમથી સરકાર બેન્કિંગ કંપનીજ એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ એક્ટ ૧૯૭૦ તથા તેના અનુસંધાનમાં બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવા પડે તેવા સુધારાઓ કરવા માટે આ ખરડો લાવી છે. તેમ કરીને બે રાષ્ટ્રીયકૃત બૅન્કના ખાનગીકરણને અંજામ આપશે. ૧૯૬૯ અને ૧૯૮૦માં મળીને અંદાજે ૩૪ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ પૂર્વેના ૬૦થી ૭૦ વર્ષમાં 60થી વધુ બૅન્કો ખાડે જતાં લોકોના પૈસા ડૂબી ગયા હતા. લોકોના આ પૈસા ડૂબતા અટકાવવા માટે ઇન્દિરા ગાંધીની સરકારે બૅન્કોના રાષ્ટ્રીયકરણનું પગલું લીધું હતું.

ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાનું નિયમન કરતા કારયાદમાં પણ સરકાર સુધારો કરવા જઈ રહી છે. બૅન્કિંગ એક્ટમાં સુધારો કરીને સરકાર બૅન્કોમાંનું તેમનું હોલ્ડિંગ ૫૧ ટકાથી ઘટાડીને ૨૬ ટકા સુધી લાવી દેવાનું આયોજન કરી રહી છે. નીતિ આયોગે બે રાષ્ટ્રીયકૃત બૅન્કોના ખાનગીકરણની ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *