ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ હવે 15 ડિસેમ્બરથી શરૂ થવાની નથી. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ કહ્યું છે કે, હાલ 15 ડિસેમ્બરથી ચાલુ થનારી ઈન્ટરનેશનલ ફ્લાઈટના નિર્ણય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નવી તારીખો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આ નિર્ણય કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓમિક્રોનની સમીક્ષા બેઠક કરી હતી. તેમાં 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. પીએમએ વિદેશથી આવતા લોકો પર કડક નજર રાખવાની પણ વાત કરી હતી.
કેરળના મૈસૂર જિલ્લામાં 72 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તમામને ક્વોરન્ટાઈન કરાયા છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ સામે આવ્યા પછી સમગ્ર જિલ્લાને હાઈ એલર્ટ કરી દેવાયો છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ છે. સાથે કોવિડ ટેસ્ટિંગ પણ વધારાયું છે.
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના ‘વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન’ ઓમિક્રોનથી બચાવને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ આજથી લાગુ થઈ ગઈ છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા વગેરે રાજ્યોએ પણ તેમના સ્તરેથી ઘણા કડક આદેશો જારી કર્યા છે. દેશમાં 547 દિવસ પછી એક્ટિવ કેસ 1 લાખની અંદર જતા રહ્યા છે. કોરોના સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ વાંચો…
હવે દેશમાં આગમન બાદ ઈન્ટરનેશનલ ટ્રાવેલરને ક્વોરન્ટાઈન થવું પડશે
સરકારે મધ્યરાત્રિથી ઓમિક્રોનને લઈને નવી ગાઈડલાઈન્સ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ગાઈડલાઈન્સ મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિથી અમલમાં આવી છે. તેમના મતે હવે ‘એટ રિસ્ક કન્ટ્રીઝ’માં સામેલ 12 દેશમાંથી આવનારી દરેક વ્યક્તિનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ થશે.
આ મુસાફરોએ એરપોર્ટ પર જ ટેસ્ટનાં પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેમને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. 8મા દિવસે તેમનો બીજો RT-PCR ટેસ્ટ થશે, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને બહાર ફરવા દેવામાં આવશે.
કેન્દ્ર સરકારે 12 દેશને હાઇ રિસ્કની શ્રેણીમાં રાખ્યા
જ્યાં નવા વેરિયન્ટનું જોખમ સૌથી વધુ છે એવા 12 દેશની યાદી કેન્દ્ર સરકારે જારી કરી છે, જેમાં, યુકે સહિત યુરોપના તમામ દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલને સામેલ કર્યા છે. આ દેશોમાંથી આવનારા દરેક યાત્રીના ટેસ્ટ કરાવીને તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે.
ભારતમાં એક્ટિવ કેસ 1 લાખની અંદર
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8954 કોરોનાના કેસ નોંધાયા છે અને 267 લોકોના મોત થયા છે. જ્યારે 10,207 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસ 99,023 થયા છે. જે 547 દિવસ પછી સૌથી ઓછા એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં બીજા રાજ્યમાંથી એન્ટ્રી પર ટેસ્ટ
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે આદેશ આપ્યો છે કે દેશના અન્ય કોઈપણ રાજ્યમાંથી આવનારી વ્યક્તિએ પણ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. રાજ્યમાં પ્રવેશ્યાના 48 કલાકની અંદર તેમના માટે આ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
કર્ણાટક દરેક ઈન્ટરનેશનલ યાત્રીનો ટેસ્ટિંગ કરશે
કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી આવનારા દરેક મુસાફરનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. કર્ણાટકના આરોગ્યમંત્રી ડૉ.કે. સુધાકરના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા દરરોજ 2500 મુસાફરો કર્ણાટક આવે છે. તેમના ટેસ્ટ કરવામાં આવશે. જેઓ નેગેટિવ આવશે તેમને પણ 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે.
ગોવામાં દરેક વિદેશીનો ટેસ્ટ થશે
ગોવાના CM પ્રમોદ સાવંતે પણ કહ્યું હતું કે અમારા એરપોર્ટ પર ઊતરનારા તમામ વિદેશી મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. ‘એટ રિસ્ક કંટ્રીઝ’માંથી આવનારા લોકોને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટીન કરવામાં આવશે.
કેરળમાં વેક્સિન ન લગાવી હોય તો ફ્રીમાં સારવાર નહીં
કેરળના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો અનુસાર, રાજ્યમાં કોવિડ પ્રિવેન્શનમાં સહકાર ન આપનારાઓને મફત સારવારની સુવિધા આપવામાં આવશે નહીં. જેઓ ઓફિસમાં કામ કરી રહ્યા છે અને જે શિક્ષકોએ વેક્સિનેશન કરાવ્યું નથી તેમણે દર અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવીને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.