ગીર સોમનાથઃ ઉનાના નવાબંદરની 15 બોટ પાણીમાં ગરકાવ, 10થી વધુ માછીમારો લાપતા, માછીમારોને શોધવા બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાતમાંઅરબ સાગર લો પ્રેશર સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. દરમયાન સોમનાથના દરિયામાં 13થી 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની સમાચાર સામે આવી રહી છે. આ ઉપરાંત 10થી વધુ માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. એવામાં રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે,હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાં છે.

આ દુર્ઘટનામાં 15 જેટલી બોટો ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ અનેક માછીમારો ગાયબ થયાનું સામે આવી રહ્યું છે. હજુ પણ દરીયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ખરાબ હવામાન અને ભારે પવનના કારણે સમુદ્રમાં હેલી હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની 12 બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *