સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચીજવા પામ્યો છે. તે વૃદ્ધમાં ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ છે કે નહીં તેની તપાસ માટે નમૂના પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે દર્દીમાં કયો કોરોનાનો વેરિઅન્ટ છે. તંત્ર દ્વારા વૃદ્ધ દર્દીના સંપર્કમાં આવેલા ૧૧ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઝિમ્બાબ્વેથી ઓમિક્રોન વેરિઅન્ટનો ઉદ્ભવ થયો છે. અને વૃદ્ધ પણ ઝિમ્બાબ્વેથી આવ્યા હોવાથી ૭૨ વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પુણે સ્થિત લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. જેનો રિપોર્ટ ૭૨ કલાકની અંદર આવી જશે. જો તે રિપોર્ટમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનની પૃષ્ટિ થાય તો આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થશે. અલગ અલગ રીતે વિદેશથી શહેરમાં આવતા લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમનો ટેસ્ટ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. બાદમાં રિપોર્ટ જે મુજબ આવે એ મુજબ આગળની કામગીરી હાથ ધરવામાં આવે છે.
ઓમિક્રોન વેરિઅન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ગત સોમવાર-મંગળવારે ૪ જિલ્લામાં વિદેશોમાંથી ૨૨૦ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ગુરૂવારની બપોર સુધી એક જ દિવસમાં ૧૪ હાઈરિક્સ દેશો સહિત વિદેશથી વધુ ૨૨૩૫ મુસાફરો ઉતર્યા હતા. જેમાં અમદાવાદ અને સુરત આંતરારાષ્ટ્રીય એરપોર્ટના જ ૨૨૨૮ મુસાફરો હતા. ઝિમ્બાબ્વે સહિતના હાઈરિક્સ દેશોમાંથી આવેલા ૨૫૪ મુસાફરોનો એરપોર્ટ ઉપર RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે તમામે પોતાના ઘરે ક્વોરન્ટાઈન રહેવું પડશે. અને જેતે જિલ્લાના કલેક્ટરે તેઓનું મોનિટરિંગ કરવાનું રહેશે.