ગાંધીનગરમાં આજથી દબાણ હટાવ મહા અભિયાન:ઈંડા, મટન સહિતની તમામ હાટડીઓ પર તવાઈ, કાયમ માટે શહેર દબાણ મુક્ત રહે તેવા મેયરના સંકેત

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આજરોજ શુક્રવારથી ગેરકાયદેસર દબાણો પર મહા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આવતી ૧૫ ડિસેમ્બર સુધીમાં કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈંડા અને મટન સહિતની ગેરકાયદેસર હાટડીઓ પર તવાઈ બોલવા તૈયાર થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ પણ શહેરને દબાણ મુકત કરવા માટેનાં તાજેતરમાં જ સંકેતો આપ્યા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નિકળ્યો હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનું સામે આવ્યું છે. નાગરિકોની સુખ સુવિધાઓ માટે બનાવવાંમાં આવેલી ફૂટપાથો પર પણ હાટડીઓ શરૂ થઈ ચૂકી છે. જેનાં કારણે ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણા લોકોએ સરકારી જમીન પર રીતસરના ટેન્ટ બાંધીને કરોડોની જમીન પચાવી પાડવામાં આવી હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું છે. આ બાબતે તાજેતરમાં જ એક કોર્પોરેટર દ્વારા સર્વે કરીને ગેરકાયદેસર હાટડીઓનું લિસ્ટ કોર્પોરેશન તંત્રને સોપવામાં પણ આવ્યું હતું. ગાંધીનગરના ૧ થી ૩૦ સેક્ટરો સહિત ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નિકળ્યો છે.

જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે. જેનાં માટે જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે કોર્પોરેશન તંત્રની દબાણ શાખાએ પણ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા કમરકસી છે. જે અન્વયે આજથી સેકટર – ૨૧થી અડચણરૂપ ગેરકાયદેસર હાટડીઓ પર દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે . દબાણ હટાવ મહા અભિયાન આજથી શરૂ કરીને ૧૫ મી ડિસેમ્બર સુધી ચાલશે,

૧૫ મી ડિસેમ્બર સુધી રોજે-રોજ અલગ અલગ વિસ્તારોમાં અચાનક જ ત્રાટકીને લારીઓ હટાવી જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ અભિયાન વાયબ્રન્ટ પૂરતું નહીં પરંતુ કાયમી રીતે શહેર દબાણ મુકત રહે તે રીતે કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગર મેયર હિતેશ મકવાણા દ્વારા પણ આ મહા અભિયાન વાયબ્રન્ટ પૂરતું નહીં પણ કાયમી ધોરણે શહેર દબાણ મુકત રહે તેવા સંકેતો પણ આપવામાં આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *