ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર રાજકુમારના પોસ્ટીંગ અંગે અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી ડેપ્યુટેશનથી પાછા આવેલા આ ઓફિસરને ભારત સરકારે ડિફેન્સ પ્રોડક્શન સેક્રેટરી પદેથી મુક્ત કર્યા બાદ રાજ્ય સરકારે તેમની નિયુક્તિ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે કરી છે.
ગુજરાતમાં હાલ 10મી વાયબ્રન્ટ સમિટની તૈયારી ચાલી રહી છે ત્યારે સરકાર વહીવટી તંત્રમાં અત્યારે મોટાપાયે ફેરફારો કરવાના મૂડમાં નથી તેથી માત્ર રાજકુમારનું પોસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે. રાજકુમારના નામ અંગે સચિવાલયમાં અટકળો ચાલતી હતી. એક તબક્કે તેમને સીધા મુખ્યસચિવના પદે નિયુક્ત કરવામાં આવનાર હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી પરંતુ હવે અટકળોનો અંત આવ્યો છે.
રાજકુમાર 1987 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. અગાઉ તેમણે ગુજરાતમાં અનેક વિભાગોમાં ફરજ બજાવી છે. ગૃહ વિભાગમાં નિયુક્તિ થતાં સચિવાલયમાં એવું માનવામાં આવે છે કે હાલના ચીફ સેક્રેટરી પંકજકુમારની વયનિવૃત્તિ પછી તેમને આ પદે નિયુક્ત કરવામાં આવશે. 1986 બેચના પંકજકુમાર મે 2022માં નિવૃત્ત થઇ રહ્યાં છે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો હતો પરંતુ રાજકુમારની નિયુક્તિ પછી તેમને હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે રાજકુમાર ગૃહ વિભાગના ચીફનો હવાલો સંભાળી લેશે.
ઉલ્લેખનીય છે કે પંકજકુમારની જેમ રાજીવકુમાર ગુપ્તા પણ મે 2022માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે જ્યારે આ જ કેડરના ત્રીજા ઓફિસર વિપુલ મિત્રા જુલાઇ 2022માં નિવૃત્ત થાય છે. આ ત્રણેય ઓફિસરો પછી 1987ની કેડરમાં રાજકુમાર ઉપરાંત આરપી ગુપ્તા આવે છે પરંતુ દિલ્હીના વિશ્વસનિય સૂત્રો કહે છે કે જૂન 2022માં રાજકુમાર ગુજરાતના નવા ચીફ સેક્રેટરી બનશે. તેઓ જાન્યુઆરી 2025માં વયનિવૃત્ત થવાના છે.
GAS કેડરના 16 અધિકારીઓ IAS બન્યા
ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના 16 અધિકારીઓને પ્રમોટી આઇએએસ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમને આઇએએસ રૂલ્સ 1954 હેઠળ ગુજરાત કેડર ફાળવવામાં આવશે. જે ઓફિસરોને આઇએએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે તેમાં (1) જેપી દેવાંગન (2) એસડી ધાનાણી (3) ડીએમ સોલંકી (4) પીએન મકવાણા (5) એજે અસારી (6) બીકે વસાવા (7) કેએસ વસાવા (8) સીબી બલાત (9) બીબી વાહોનિયા (10) આરઆર ડામોર (11) એસપી ભગોરા (12) એલએમ ડિંડોડ (13) બીડી નિનામા (14) એનવી ઉપાધ્યાય (15) એઆર શાહ (16) પીબી પંડયાનો સમાવેશ થાય છે. આ ઓફિસરોનું નવું પોસ્ટીંગ ટૂંકસમયમાં થાય તેવી સંભાવના છે.