સીજી રોડ ઉપર બોગસ આંગડિયા પેઢી ખોલી આશ્રમ રોડ ઉપર વ્યવસાય કરતા વેપારી સાથે પાંચ કરોડ પડાવવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. ત્રણ કરોડની વગર વ્યાજની લોન અપાવવાની લાલચ આપીને પ્રોસેસ માટે 11 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરાઈ. બેનંબરી હેરાફેરીના ખેલમાં નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી અમદાવાદ, વડોદરાના પાંચ શખ્સને ઝડપ્યા છે.
ચેન્નઈના રામશીવા નામના શખ્સની શોધખોળ ચાલી રહી છે. મણીનગરમાં રહેતા અને આશ્રમ રોડ ઉપર ઓફિસ ધરાવી વ્યવસાય કરતા દેવાંગભાઈ વસંતભાઈ શાહ નામના વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં નવરંગપુરા પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે.
અમદાવાદના સીજી રોડ ઉપર રહેતા નિકુલ ભીમજીભાઈ રાઠોડ, રૂપેન્દર રવિન્દ્રસીંગ અરોરા, ન્યુ મણીનગરમાં રહેતા મહેશ રામસ્વરૂપ ગોંડલિયા, કિરીટ પટેલ અને વડોદરાના ગૌરાંગભાઈ વાસુદેવભાઈ પંડયાની ધરપકડ કરવામાં આવી છે. ચેન્નઈના રામશીવા નામના આરોપીને શોધી કાઢી ઝડપી લેવા પોલીસ કાર્યરત છે.
અજીબોગરીબ પધૃધતિએ કરવામાં આવેલી છેતરપિંડી અંગે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયુ છે કે, દેવાંગભાઈ શાહે ઓક્ટોબર- 2021માં ધંધા માટે પૈસાની જરૂરીયાત હોવાથી મિત્ર વર્તુળમાં વાત કરી હતી કે, કોઈ વ્યક્તિ પૈસાનું િધરાણ કરવા ઈચ્છતી હોય તો જામ કરજો.
દોઢેક મહિના પહેલા ચેન્નઈથી રામશીવા નામના વ્યક્તિએ ફોન કરીને પૈસાની જરૂર છે? તેવી પૂછપરછ કરી હતી. દેવાંગભાઈએ હા પાડતાં તેમણે તેમના મિત્ર ગૌરાંગ પંડયા (વડોદરા)નો નંબર આપ્યો હતો.
ધંધા માટે પાચં કરોડ રૂપિયાની જરૂરીયાત હોવાની વાત ગૌરાંગભાઈ સાથે કરતાં તેમણે કહ્યું હતું કે, ત્રણ કરોડ રૂપિયા આપીશું પણ એ માટે તમારે પાંચ લાખ રૂપિયા પહેલા આપવા પડશે. આ પૈસા ચૂકવશો એટલે આઠ કરોડ રૂપિયાનો બેન્કનો ડી.ડી. (ડીમાન્ડ ડ્રાફ્ટ) આપીશું. આઠ કરોડ રૂપિયામાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે. બાકીના ત્રણ કરોડ રૂપિયા તમારે પાંચ વર્ષમાં વગર વ્યાજે પાછા આપવાના રહેશે.
વગર વ્યાજે 3 કરોડ રૂપિયા આપવાની વાત કરવામાં આવતાં દેવાંગભાઈએ એક ગ્રાહક પાસેથી પાંચ લાખ રૂપિયા આવતા તે નાણાં વડોદરાના વડીવાડી વિસ્તારની સારાવી સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઈ પંડયાને ઓફિસે બોલાવીને રોકડા આપ્યા હતા.
બદલામાં ગૌરાંગભાઈએ સિક્યુરિટીપેટે પાંચ લાખ રૂપિયાનો ચેક આપી સાદા કાગળ ઉપર લખાણ કરી આપ્યું હતું. આ પછી આઠ કરોડનો ડીડી આપવામાં વિલંબ કરાયો હતો. દેવાંગભાઈએ ફોર્સ કરતા ગૌરાંગે ન્યુ મણીનગરમાં રહેતા તેમના મિત્ર મહેશ રામસ્વરૂપ ગોંડલિયાનો ફોન કરાવ્યો હતો.
આઠ કરોડનો ડીડી તૈયાર હોવાનું કહી મહેશ ગોંડલિયાએ સીજી રોડ ઉપર આંગડિયામાં પાંચ કરોડ જમા કરાવવા કહ્યું હતું. સીજી રોડ ઉપર નંદમંગલ કોમ્પલેક્સમાં શ્રી કૃપા એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાંથી રૂપેન્દર અરોરા અને નિકુલ રાઠોડને પાંચ કરોડ રૂપિયા જમા કરાવવા ફોન કરતા હતા.
પાંચ કરોડના એક ટકા લેખે છ લાખ રૂપિયા જમા કરાવો એટલે આઠ કરોડનો ડીડી આપવાની વાત કરી હતી. દેવાંગભાઈએ પૈસા જમા કરાવતા આંગડિયાની ઓફિસે આવીને ડીડી લઈ જજો તેવી વાત કરીહતી. તા. 2 ડીસેમ્બરે ડીડી લેવા ગયા તો આંગડિયા પેઢી બંધ હતી અને ફોન ઉપાડવામાં આવતો નહોતો.
આખરે, ચિટિંગ થયાની જાણ થતાં નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. નવરંગપુરા પી.આઈ. આર.જે. ચુડાસમાએ જણાવ્યું કે, વગર વ્યાજે 3 કરોડ અપાવવાનું કહી વેપારી પાસેથી પાંચ કરોડ પડાવવા કારસો ઘડાયો હતો. પણ, 11 લાખની ઠગાઈ કરનાર ચાર ચિટરને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.