દુબઇ જઇ રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ એરપોર્ટ પર રોકી

બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને આજે ઇડીએ દુબઇ જતા અટકાવી એરપોર્ટ પર જ રોકી દીધી હતી. ઇડી છેલ્લા ઘણા સમયથી જેકલીન અને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરના કનેકશન વિશે તપાસ ચલાવી રહી  હતી.

દરમ્યાન ઇડીએ તાજેતરમાં 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ  પ્રકરણે 7 હજાર પાનાનું આરોપનામું દાખલ કર્યું હતું. મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર તેની એકટર પત્ની લીના મારિયા પોલી અને અન્ય છ જણ સામે આરોપનામામાં ચોંકાવી દેનારા અને ગંભીર દાવા કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર ચંદ્રશેખર બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને 10 કરોડ રૂપિયાની ગીફ્ટ આપી હતી. આ ગીફ્ટમાં બાવન લાખ રૂપિયાનો  ઘોડો અને નવ લાખ રૂપિયાની કિંમતની પર્શિયન બિલાડીઓનો સમાવેશ થાય છે.

જેલમાંથી ખંડણીનું  રેકેટ ચલાવતા સુકેશે બોલીવૂડની અન્ય એક અભિનેત્રી નોરા ફતેહીને એક વૈભવી કાર અને મોંઘો મોબાઇલ ફોન પણ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઇડીએ દિલ્હીની એક અદાલત સામે આરોપનામું રજૂ કર્યું હતું. એવો આરોપ કરવામાં આવ્યો છે કે સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં બંધ હતો એ દરમ્યાન એક ઉદ્યોગ પતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. ચાર્જશીટમાં જેકલીન અને નોરા ફતેહી બન્નેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બન્ને અભિનેત્રીઓની આ સંદર્ભે ઇડીએ પૂછપરછ પણ કરી  છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુકેશ અને જેકલીન વચ્ચે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં વાત-ચીત શરૂ થઇ હતી. ત્યાર બાદ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને મોંઘી ગીફ્ટ  મોકલવાનું  શરૂ કરી દીધું હતું. તપાસ એજન્સીઓ અનુસાર સુરેશ જ્યારે જેલમાં બંધ હતો ત્યારે પણ તેની જેકલીન સાથે વાત-ચીત થતી રહેતી.

જામીન મળ્યા બાદ સુકેશે જેકલીન માટે મુંબઇથી દિલ્હી અને દિલ્હીથી ચેન્નાઇ માટે ચાર્ટર્ડ ફલાઇટ પણ બુક કરી હતી. આ ઉપરાંત બન્ને ચેન્નાઇની એક હોટલમાં પણ રોકાયા હતા. એવું પણ  કહેવાય છે કે ચાર્ટર્ડ ફલાઇટ પર આઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ઓગસ્ટમાં આ બાબતે એક એફઆઇઆર નોંધી હતી. ચંદ્રશેખર સામે દેશભરમાં ઘણા કેસ ચાલી રહ્યા છે. ઇડીએ પોલીસની એફાઅઇઆરને આધારે ગુનો નોંધ્યો હતો. સુકેશ સામે એવો આરોપ છે કે તેણે ગૃહ મંત્રાલયના એક અધિકારી બનીને ઉદ્યોગ પતિની પત્નીને છેતરી હતી અને તેના પાસેથી ખંડણી પડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *