જામનગર મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત હોવા છતાં તંત્રની ઊંઘ હજુ સુધી ઉડી નથી. મળેલ માહિતી અનુસાર, જે ઘરમાં ઓમીક્રોનનો કેસ આવ્યો છે તે ઘરમાં ટ્યુશન ક્લાસ ચાલે છે. દર્દીનો પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ પણ ટ્યુશન ક્લાસ ચાલુ હોવાનું બહાર આવ્યું છે. આનાથી તે પુરવાર થાય છે કે ઓમિક્રોન કેસ આવ્યો હોવા છતાં જામનગર મહાનગર પાલિકાએ કડક પણે પગલા લીધા નથી.
કેસ આવ્યાના બે દિવસ સુધી ટ્યુશન ક્લાસ ચાલુ રહ્યા હતા. કોર્પોરેટર જેનબ ખફીને આ બાબત નજરે પડતા તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આરોગ્ય વિભાગે બાદમાં કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ટ્યુશન આવતા ૭ બાળકોની ઓળખ કરાઇ છે. અને અન્ય બાળકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને શનિવારે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની સ્પષ્ટતા થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.
જામનગરમાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા આ બે વ્યક્તિ કોરોના સંક્રમિત આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આ બંને વ્યક્તિના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે
દેશભરમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અને ઓમિક્રોનની પૃષ્ટિ માટે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.