મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી દીધી છે અને આ સાથે જ સીરિઝ પર પણ કબજો કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 540 રનનો પહાડ જેવડો લક્ષ્ય આપ્યો હતો જેને પાર કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ નિષ્ફળ રહી હતી અને બીજી પારીમાં ફક્ત 167 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના સ્પિનર્સની આગળ ન્યૂઝીલેન્ડનું કાંઈ ન ચાલ્યું અને તેણે ઘૂંટણ ટેકવી લીધા.
જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને ખૂબ હેરાન કર્યા. બીજી પારીમાં અશ્વિનને 4 વિકેટ મળી અને જયંત યાદવને પણ 4 વિકેટ મળી. ખાસ વાત એ રહી કે, જયંત યાદવની ચારેય વિકેટ મુંબઈ ટેસ્ટના ચોથા દિવસે આવી જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો.
કાનપુર ટેસ્ટ તો ન્યૂઝીલેન્ડે ડ્રો કરાવી દીધી હતી પરંતુ તેઓ મુંબઈમાં એમ ન કરી શક્યા અને ભારતે 1-0થી સીરિઝ પર કબજો મેળવ્યો. સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થવાની સાથે જ હવે આફ્રિકામાં ઈતિહાસ સર્જવા પર નજર બની રહી છે.
મુંબઈ ટેસ્ટનો સ્કોર બોર્ડ
ભારતઃ 325 રન, 276/7 (D)
ન્યૂઝીલેન્ડઃ 62 રન, 167 રન
મુંબઈમાં ઈતિહાસ
મુંબઈ ટેસ્ટમાં વિજય સાથે જ ભારતે એક ઈતિહાસ પણ સર્જ્યો છે. રનોના હિસાબથી કોઈ પણ ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી મોટો ટેસ્ટ વિજય છે. અગાઉ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 337 રનથી હરાવ્યું હતું પરંતુ હવે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી છે.
ટેસ્ટમાં રનના હિસાબથી સૌથી મોટી જીત
ન્યૂઝીલેન્ડને 372 રનોથી હરાવ્યું (2021)
સાઉથ આફ્રિકાને 337 રનોથી હરાવ્યું (2015)
ન્યૂઝીલેન્ડને 321 રનોથી હરાવ્યું (2016)
મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિનના નામે રહી ટેસ્ટ
આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી મયંક અગ્રવાલે કમાલ કરી દીધો, મયંકે પહેલી પારીમાં 150 રન બનાવ્યા અને બીજી પારીમાં પણ 62 રનની મહત્વની પારી રમ્યો. સીનિયર ખેલાડીઓ બહાર હોવાના કારણે મયંકને તક મળી હતી જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. રવિચંદ્રન અશ્વિને પણ આ મેચમાં 8 વિકેટ પોતાના નામે કરી, તેણે બંને પારીમાં 4-4 વિકેટ લીધી.
એજાઝના કારણે યાદ રહેશે મુંબઈ ટેસ્ટ
મુંબઈ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભલે ભારતનો વિજય થયો હોય પરંતુ આ મેચ હંમેશા ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલના નામે યાદ કરવામાં આવશે. એજાઝ પટેલે મુંબઈ ટેસ્ટની પહેલી પારીમાં ભારતની તમામ 10 વિકેટ ઝાટકી હતી અને ટેસ્ટ ઈતિહાસમાં આવું કરનારો ત્રીજો બોલર બન્યો હતો.
બીજી પારીમાં પણ એજાઝ પટેલે 4 વિકેટ લીધી અને આખી મેચમાં કુલ 14 વિકેટ પોતાના નામે કરી. ખાસ વાત એ પણ રહી કે, એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં જ થયો હતો.