પહેલા કોરોના મહામારી અને હવે મોઘવારીએ દેશની જનતાનું જીવવું હરામ કરી દીધું છે . તેવામાં વાહનચાલકો પર ફરી વખત મોંઘવારીનું ભારણ નાખવામાં આવ્યું છે. અદાણી ગેસે CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. આપને જણાવી દઈએ કે, અદાણી ગેસે દિવાળી બાદ હવે ફરી સીએનજી ગેસમાં ભાવ વધારો કર્યો છે. અદાણી ગેસે ફરી એકવાર CNGના ભાવમાં ૭૪ પૈસાનો વધારો કર્યો છે.
અદાણી CNGનો આ સાથે જ કિલોદીઠ ભાવ ૬૪.૯૯ થી વધીને ૬૫.૭૪ રૂપિયા થઈ ગયો છે. દિલ્લી અને મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવો ભાવ અમલમાં આવ્યો છે. અદાણી ગેસે અગાઉ ગત ૨ નવેમ્બરે સીએનજીના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કર્યો હતો.
એકબાજુ પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને સીએનજીમાં પણ સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. સીએનજી વાહનચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધી ગયું છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ વચ્ચે ભાવ વધારાની આ સ્પર્ધામાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.