રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્રને ટેકો આપવા આજે વ્યાજદર યથાવત રાખવાની સાથે જીડીપી વૃદ્ધિદર પણ ૯.૫૦ ટકા રહેવાની અપેક્ષા પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ ઉદભવ્યો હતો. ચોમેરથી નવી લેવાલીએ આજે સેન્સેક્સમાં ૧૦૧૬ અને નિફ્ટીમાં ૨૯૩ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
અર્થતંત્રને ટેકો આપવા રિઝર્વ બેંક દ્વારા સતત નવમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. આ ઉપરાંત જીડીપી વૃદ્ધિનો ૯.૫૦ અંદાજ યથાવત રાખવા સાથે અન્ય કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. આ ઉપરાંત એમિક્રોન વિષયક ભીતિ હળવી થયાના અહેવાલોનીવિદેશી શેરબજારો પર સાનુકૂળ અસર થઈ હતી.
આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ૧૦૧૬ પોઈન્ટ ઊછળીને ૫૮૬૪૯.૬૮ અને નિફ્ટી ૨૯૩ પોઈન્ટ ઊછળીને ૧૭૪૬૯.૭૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૯૬ લાખ કરોડનો વધારો થયો હતો. બજારમાં તેજીનો માહોલ હોવા છતાં વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૫૭૯.૨૭ કરોડની વેચવાલી હાથ ધરી હતી.