દિલ્હી બોર્ડર પર 1 વર્ષ 14 દિવસથી ચાલતુ ખેડૂત આંદોલન આજે સાંજ સુધીમાં સમેટાઈ જશે. આ અંગે ખેડૂત સંગઠનો સહમત થઈ ગયા છે. ખેડૂતો સામેના કેસ પરત ખેંચવા સહિતની તેઓની દરેક માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપતો પત્ર સરકાર તરફથી મળી ગયો છે. આજે સાંજે 5 વાગે ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની ખેડૂત સંગઠન દ્વારા જાહેરાત કરાશે. સિંઘુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખાડવાની શરૂઆત કરી દીધી છે. તે ઉપરાંત હવે આંદોલનકારીઓએ ઘરે પરત જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
આંદોલન સમાપ્ત થયા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં અમે સરહદ પર રહીશું અને દેશ સાથે સંવેદના વ્યક્ત કરીશું. આ પછી, 11 ડિસેમ્બર સુધીમાં અમે પરત ફરીશું. અમે શહીદ ખેડૂતોના પરિવારોને મળવા પણ જઈશું. ટિકૈતે વધુમાં કહ્યું કે, આંદોલનને હાલ પૂરતું સ્થગિત કહેવું જોઈએ કારણ કે જો માંગણીઓ નહીં સંતોષાય તો તે ફરી શરૂ થઈ શકે છે.
આ 5 મુદ્દા પર થઈ સહમતી
પોલીસ કેસઃ હરિયાણા અને ઉત્તરપ્રદેશ સરકાર કેસ પરત લેવા માટે તૈયાર થઈ ગઈ છે. દિલ્હી અને કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે રેલવે વિભાગ દ્વારા નોંધાયેલા કેસ પણ પરત લેવાશે.
MSP: કેન્દ્ર સરકાર કમિટી બનાવશે, તેમાં સંયુક્ત કિસાન મોર્ચાના પ્રતિનિધિ લેવામાં આવશે. અત્યારે જે પણ પાકમાં ટેકાના ભાવ મળે છે તે ચાલુ જ રહેશે. MSP પર જેટલી પણ ખરીદી થાય છે તે ઓછી કરવામાં નહીં આવે.
વળતર: રાજ્ય સરકારો આંદોલનમાં મૃત્યુ પામેલા 700થી વધુ ખેડૂતોને વળતર આપવા સહમત થઈ છે. પંજાબ સરકારની જેમ અહીં પણ 5 લાખ વળતર આપવામાં આવશે. ખેડૂત આંદોલનમાં 700થી વધારે ખેડૂતોના મોત થયા છે.
ઇલેક્ટ્રિસિટી એક્ટઃ ઇલેક્ટ્રિસિટી એક્ટ સંસદમાં લાવવામાં આવશે નહીં. પહેલાં આ વિશે ખેડૂતો સહિત અન્ય પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
પરાળ: પ્રદૂષણ કાયદા વિશે ખેડૂતોને સેક્શન 15થી તકલીફ છે. તેમાં ખેડૂતો બંધાયેલા નથી પરંતુ દંડની જોગવાઈ છે. જેને કેન્દ્ર સરકાર હટાવશે.
આ છે નવા પ્રસ્તાવ
- MSP સમિતિમાં કેન્દ્ર સરકાર અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિ હશે. સમિતિ 3 મહિનાની અંદર રિપોર્ટ આપશે, જે સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને MSP કેવી રીતે મળે. રાજ્ય હાલમાં MSP પર જે પાકની ખરીદી કરી રહ્યું છે એ ચાલુ રહેશે.
- તમામ કેસ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવશે. યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણાની સરકારોએ આ માટે પોતાની સંમતિ આપી દીધી છે.
- કેન્દ્ર સરકાર, રેલવે અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નોંધાયેલા કેસો પણ તાત્કાલિક પાછા ખેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યોને પણ અપીલ કરશે.
- હરિયાણા અને ઉત્તરપ્રદેશે પંજાબની જેમ વળતર ચૂકવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે
- સંયુક્ત કિસાન મોરચા સાથે વીજળી બિલ પર ખેડૂતોને અસર કરતી જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવશે. એ પહેલાં એને સંસદમાં રજૂ કરવામાં આવશે નહીં.
- કેન્દ્ર સરકારના કાયદાની કલમ 15માં પરાળના મુદ્દે ખેડૂતોને દંડની જોગવાઈથી મુક્તિ મળશે.