સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, CDS જનરલ રાવત વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. તેમણે ૧૧ વાગ્યે સુલુર એરબેઝથી ઉડાણ ભરી હતી. તેઓને ૧૨:૧૫ વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ ૧૨:૦૮ સમયે કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો. સાત મિનિટ અગાઉ સંપર્ક તૂટ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જોયું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી. વધુમાં રાજનાથ સિંહે કહ્યું કે આ દુર્ઘટનાની તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકસભામાં રાજનાથ સિંહે જણાવ્યું કે તપાસ ટીમના અધિકારીઓ ગઇકાલે જ વેલિંગટન પહોંચીને પોતાનું કામ શરૂ કરી દીધું છે.
હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના બાદ એરફોર્સની તપાસ ટીમને બ્લેક બોક્સ મળ્યું છે. વાસ્તવમાં બ્લેક બોક્સ કોઇ પણ પ્લેનમાં સૌથી જરૂરી ભાગ હોય છે. બ્લેક બોક્સમા વિમાનમાં ઉડાણ દરમિયાન વિમાન સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ રેકોર્ડ થાય છે.
આજે દુર્ઘટના સ્થળ પર એરફોર્સ ચીફ વીઆર ચૌધરી પહોંચ્યા હતા. તેમણે વિસ્તારનું નીરિક્ષણ કરી અધિકારીઓ સાથે હેલિકોપ્ટર ક્રેશ ઘટના અંગે વાતચીત કરી હતી. દુર્ઘટનાની ટ્રાઈ સર્વિસ ઈન્કવાયરી એરમાર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાનીમાં કરવામાં આવશે. સિંહ ઈન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડર અને પોતે પણ હેલિકોપ્ટર પાયલટ છે. ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી.આ ટીમને ડિપોર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રીનિવાસન લીડ કરી રહ્યાં છે. ઘટનાસ્થળે ફ્લાઈટ ડેટા રેકોર્ડર, કોકપિટ વોઈસ રેકોર્ડર જપ્ત કરવામાં આવ્યા.