ગુજરાતના પંચાયત મંત્રીની મહત્વની જાહેરાત, ૨૭૬૦ પંચાયત ઘરો બનશે

ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહત્વની જાહેરાત કરી છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ કે, ૨૭૬૦ ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘરો બનાવવામાં આવશે. જેમાં હવે જર્જરિત મકાનોને બદલે નવા મકાનો બનાવવામાં આવશે.  રાજ્યમાં ૨૭૬૦ પંચાયત ઘરો માર્ચ ૨૦૨૨ સુધીમાં તૈયાર કરાશે.

જે પંચાયત પાસે પોતાનું મકાનના હોય અથવા ૨૫ વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનાવવામાં આવશે. તેમજ આ પંચાયત ઘર બનાવવા માટે ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ ૧૪ થી ૨૨ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ ૧૧૫૭ ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. એટલે કે આ તમામ ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણીઓ નહિં યોજાય. ૧૦,૪૪૩ ગ્રામ પંચાયતોમાંથી ૧૧૫૭ ગ્રામ પંચાયત સમરસ થતા ૧૧.૦૮ ટકા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિના જ સરપંચની નિયુક્તિ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ સમરસ બની છે. મોરબીની ૯૧ ગ્રામ પંચાયત, કચ્છની ૯૭, ભાવનગરની ૭૨, મહેસાણાની ૩૧ અને પોરબંદરની ૨૮ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ માં ૧૪૫૫ ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. પરંતુ આ વર્ષે તેમા ઘટાડો થઈ ૧૧૫૭ ગ્રામ પંચાયત સમરસ બની છે.

ગુજરાતમાં ૧૦,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બર ૨૦૨૧માં રાજ્યની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયચની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે મુજબ ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *