સુરતમાં રેસ્ટોરન્ટ દ્વારા ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નાં બેનર લગાવાયા, બજરંગ દળ દ્વારા ભારે વિરોધ

સુરત શહેરમાં રિંગરોડ વિસ્તાર નજીક ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લગાવતા બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધાં હતાં. તે ઉપરાંત રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.

બજરંગ દળના સભ્ય દેવી પ્રસાદ દુબે એ કહ્યું હતું કે, આ બેનર અંગે કાર્યકર્તાઓ દ્વારા અમને માહિતી મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવામાં આવ્યા હતાં. દેવી પ્રસાદ દુબેએ ચેતવણી આપી કહ્યુકે, દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.

કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ભાજપના કહેવાતી ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી ૧૦ દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઊજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવ્યું હતું. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતા ભાજપીઓ અને તેમની ભગિની સંસ્થાઓ આ બેનરના લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી, પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવી અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતાં આવાં બેનર ભાજપીઓની વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો હાલ એ વ્યક્તિ “દેશદ્રોહી” છે એ પ્રસ્થાપિત કરવામાં તેમને અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરત એ નક્કી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *