રોકડેથી મકાન ખરીદી કરનારા તથા રોકડ લેનારા ડેવલપર્સને આવકવેરાની નોટિસ

અમદાવાદમાં મોટી કિંમતના ફ્લેટ રોકડેથી ખરીદનારાઓને તથા મોટી રકમ રોકડમાં લઈને ફ્લેટ વેચનારા ડેપલપર્સને આવકવેરા ખાતાના અધિકારીઓએ નોટિસ આપી છે. પરંતુ નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે રોકડથી પેમેન્ટ કર્યા હોવાના કોઈ જ પુરાવાઓ આવકવેરા અધિકારીઓ તેમના શૉ કૉઝ નોટિસમાં દેખાડી શક્યા નથી. આ સંદર્ભમાં આપવામાં આવેલી ડિમાન્ડ નોટિસ અંગે કરદાતાઓએ માગેલા ખુલાસાઓનો જવાબ પણ આવકવેરા અધિકારીઓ આપતા નથી. આ કરદાતાઓને ૨૦૦૮-૦૯થી ૨૦૧૮-૯ સુધીના તમામ વહેવારોની ચકાસણી કરવાની ચિમકી પણ આવકવેરા ખાતાના અધિકારીઓએ આપી હોવાનું જાણવા મળે છે.

એકલા અમદાવાદમાં ૪૦૦થી ૫૦૦ જણાને નોટિસ આપીને કરોડોની ડિમાન્ડ ઊભી કરવામાં આવી

સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રા અને શાલીગ્રામ તરીકે ઓળખાતા ડેવલપર્સના કેસમાં સંખ્યાબંધ મિલકત ખરીદનારાઓને નોટિસ આપવામાં આવી છે. આ સભ્યોની કરેલી તપાસમાં તેમણે ચેકથી અને રોકડથી કરેલા પેમેન્ટ અંગે કાગળમાં કરેલી નોંધને આધારે જ તેમને નોટિસ આપી દેવામાં આવી છે. મેમ્બરોએ તેમની ડાયરીમાં કરેલી પેમેન્ટની સિમ્પલ નોંધને પુરાવા ગણીને આવકવેરા ખાતાના અધિકારીઓએ કરોડોની ડિમાન્ડ કાઢી છે. તેમાંય ખાસ કરીને જે બિલ્ડરો કે ડેવલપર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે તે બિલ્ડર્સ અને ડેવલપર્સ પાસેથી મિલકત ખરીદનારાઓ પણ ભેરવાયા છે.

આમ અન્ય બિલ્ડર્સ કે ડેવલપર્સ પાસેથી મિલકત ખરીદનારાઓ પણ ભેરવાયા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા ખાતા દ્વારા આપવામાં આવેલી નોટિસોમાં સ્કીમના નામનો પણ કેટલાક કેસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મકાન ખરીદનારાઓને તેમણે રોકડ નાણાં ચૂકવ્યા તો તેની વ્યવસ્થા કઈ રીતે કરી તે અંગેનો ખુલાસો તેમની પાસેથી માગવામાં આવી રહ્યો છે. તેઓ તેનો જવાબ ન આપે તો તેમના પર છેલ્લા દસેક વર્ષના ખાતાઓ ખોલવાની ચિમકી પણ આપી દેવામાં આવી છે.

આવકવેરાના જાણકારોનું કહેવું છે કે મોટાભાગના કેસોમાં આવકવેરા અધિકારીઓ પાસેથી ઓન-મની કે રોકડથી નાણાં ચૂકવાયા હોવાના પુરાવાઓ મોજૂદ જ નથી. આવકવેરા અધિકારીઓએ ખુદ પણ માર્કેટમાં મકાન ખરીદવા માટે ફરી ફરીને કોણ કેટલી રકમ ઓનની માગે છે તેની મૌખિક જાણકારી મેળવ્યા બાદ જે તે સ્કીમમાં મિલકત ખરીદનારાઓને નોટિસ આપવામાં આવી છે. મોંઘા ભાવની મિલકત ખરીદનારાઓના રોકડ પેમેન્ટનો અંદાજ માંડીને તેમને રૂ. ૩ કરોડ કે તેનાથી વધુ રકમની નોટિસો આપવામાં આવી છે.

આ જ સ્કીમના બિલ્ડરોને પણ નોટિસ આપવામાં આવી છે. આ ડિમાન્ડ નોટિસ માટેના કારણો તો આવકવેરા અધિકારીઓ આપી શકતા નથી. છતાંય તેના સંદર્ભમાં ડિમાન્ડના ઓર્ડર કરી દેવાની ફિરાકમાં હોવાનું જાણકારોનું કહેવું છે. આ સંદર્ભમાં બિલ્ડર્સ અને મકાન ખરીદનારાઓ દ્વારા કરવામાં આવેલા વળતા સવાલનો જવાબ આવકવેરા અધિકારીઓ આપી શકતા નથી. દરોડાનો શિકાર બનેલા બિલ્ડરોના કેસમાં આ પ્રકારે નોટિસ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *