સુરત શહેરમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત કોર્પોરેશને એક જ દિવસમાં ૫૦ હજારથી લઈ ૧ લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. ૧૪ થી ૨૦ ડિસેમ્બર સુધી ચાલનાર આ મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં મહત્તમ લોકોને આવરી લેવામાં આવશે.સુરત શહેરના ૩૧૭ કેન્દ્રો પર ૧૨ કલાક સુધી વેક્સિનેશનની કામગીરી ચાલશે. તેમજ કોર્પોરેશને બીજો ડોઝ લેનારને એક લીટર તેલ આપવાની જાહેરાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ૫.૬૦ લાખ લોકો હજુ પણ વેક્સિનના બીજા ડોઝથી વંચીત છે. ત્યારે વધારે ને વધારે લોકોને વેક્સિનેશનમાં આવરી લેવા માટે કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે.
સુરત શહેરમાં રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ ડોઝની ૧૧૨ ટકા, જ્યારે બીજા ડોઝની ૭૭ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા બાકી રહેલા લોકો પણ વેક્સિન લઇ લે તે માટે આજે ૧૪ ડીસેમ્બરથી જ મેગા વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરી દીધી છે. આજે મેગા ડ્રાઈવમાં સવારથી રાતના ૯ વાગ્યાથી સુધી રસીકરણ ઝુંબેશ ચાલશે. કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોને પગપેસારો કરતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
સુરત શહેરમાં ગઈકાલે ૧૩ ડિસેમ્બરે ઓમિક્રોન વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં ઓમિક્રોનના ૪ કેસ થઈ ગયા છે. સુરતમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ અને તકેદારીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.