ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આક્ષેપો થયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અંગે સમીક્ષા કરશે. આ સાથે ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોએ પેપર લીક મામલે ગાંધીનગર ખાતે અને સોશિયલ મીડિયા પર ભારે રોષ ઠાલવ્યો હતો. અને આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ હતી.
આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષાના આગલા દિવસે જ લીક થઇને લાખો રૂપિયામાં વેચાયુ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર નજીક એક ફાર્મ હાઉસ ખાતેથી ભાવનગર સુધી પેપર વેચાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતુ.
આપ પાર્ટીના નેતા યુવરાજસિંહે કરેલ આક્ષેપો અનુસાર, આ પેપર અંદાજીત ૭૨ જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હતું. મહત્વની વાત એ છે કે, હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજાએ રજૂ કર્યા હતા. પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં ૧૬ વિદ્યાર્થીઓ સાથે એક નિરીક્ષક હાજર હતા તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તે ઉપરાંત આ લોકોએ મળીને ૨૦૦ પ્રશ્નો ચોપડીમાંથી ઉકેલ્યા હતા. આ ઉપરાંત કોબા ખાતે આવેલી મધુરી મનસુખ વસાવા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર જવાબ લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.