સંસદમાં મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને (ED) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડાઓનો કાર્યકાળ બે વર્ષના લઘુત્તમ સમયગાળાથી વધારીને મહત્તમ પાંચ વર્ષ સુધી લંબાવવા માટેના બે બિલ પસાર કરવામાં આવ્યા છે. સંસદમાં પસાર થયેલ આ બીલમાં CBI અને EDના ડાયરેક્ટરના ૨ વર્ષના કાર્યકાળને લંબાવીને પાંચ વર્ષનો કરાયો છે. આ કાર્યકાળ લંબાવવાના નિર્ણયને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટે ગત માસમાં જ આ કાર્યકાળ લંબાવવા માટે વટહુકમ બહાર પાડયો હતો. જેને કાયદો બનાવવા માટે ૯ ડિસેંબરના રોજ લોકસભાએ બે બિલ પસાર કર્યા હતા. ત્યારપછી તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાંથી પણ આ બિલને પસાર કરી દેવામાં આવ્યું છે.
પહેલા CBIના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવતું બિલ રજુ કરવામાં આવ્યું ત્યારબાદ જેના થોડા સમય પછી EDના ડાયરેક્ટર માટેનું બિલ રજુ કરાયું હતું તેને પણ ધ્વનિ મતથી પસાર કરી દેવાયું હતું.
આ બીલ રજુ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા ૧૨ સાંસદોને શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદમાં પસાર કરાયેલા બિલ અનુસાર કાર્યકાળ બે વર્ષનો હોય તેને દર વર્ષે એક વર્ષ માટે લંબાવી દેવામાં આવશે અને પાંચ વર્ષ સુધી ડાયરેક્ટર પદે રહી શકાશે.