હેલીકોપ્ટર ક્રેશ: CDS બીપીન રાવત સાથે હેલીકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન

તમિલનાડુના કુન્નૂર ખાતે ૮ ડિસેમ્બરના રોજ  CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન થયું છે. તે હેલીકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બિપિન રાવત, તેમના પત્ની સહિત ૧૩ લોકોના અવસાન થયા હતા. ઉપરાંત તે દુર્ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ જ બચ્યા હતા પરંતુ બુધવારે તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા.

ભારતીય એરફોર્સે ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યુ કે, ભારતીય એરફોર્સને એ જણાવતા ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે કે, ગ્રુપ કેપ્ટનનું આજે સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ થયેલી દુર્ઘટનામાં એકલા જીવીત બચ્યા હતા. એરફોર્સ ઓફિસર તેમના અવસાન પર સંવેદનાઓ વ્યક્ત કરે છે અને તેમના પરિવાર સાથે મજબૂતાઈથી ઉભા છે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જાણીને દુઃખ થયું કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે જીવન માટે બહાદુરીની લડાઈ લડીને અંતિમ શ્વાસ લીધા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેણે વીરતા અને અદમ્ય હિંમતની સૈનિક ભાવના દર્શાવી. રાષ્ટ્ર તેમનો આભારી છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યુપી ખાતે દેવરિયાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી હતા. તેમનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર ૪૨ વર્ષ હતી.  વેલિંગ્ટન ખાતે આવેલી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બેંગલુરૂ અને પુણેના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા હતા. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને જ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારતની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની વિમાનોને ખદેડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *