સુરતના પાંડેસરા વિસ્તારમાં જવેલરીની દુકાનમાં લાખોની ચોરીનો બનાવ બન્યો છે. પાંડેસર વિસ્તારના ભેસ્તાન ખાતે આવેલી ચોક્સી કીર્તિકુમાર ચંદુલાલ શાહ નામની જવેલર્સની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી લાખોની ચોરી કરી છે. જાણીને અજુગતું લાગશે કે , ચોરોએ ચોરીને પાર પાડવા માટે દિવાલમાં છિદ્ર પાડ્યું હતું. દુકાનની બરોબર બાજૂમાં આવેલા પગથીયા બાજુથી છિદ્ર પાડી તસ્કરો દુકાનમાં દાખલ થયા હતા. ચોરોએ ખુબજ ચાલાકીથી દીવાલમાં બખોલું પાડી દુકાનમાં ઘૂસીને ૧૬ લાખથી વધુની મત્તાની ચોરી કરીને લુંટારા ફરાર થઈ ગયા હતા. જવેલર્સની દુકાનમાં રહેલા ૧૫.૨૫ લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ લઈ આરોપી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ આગળ વધારી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર , આ ચોરી કરવા તસ્કરોએ પૂર્વયોજિત પ્લાન બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. તસ્કરોએ દુકાનમાં લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા. કેમેરાને લઈને હાલ તપાસ ચાલી રહી છે. આ ઘટના ૧૪ ડિસેમ્બર મધરાત્રે બની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુના CCTVની કેમેરાના ફૂટેજથી તપાસ હાથ ધરી છે. અને પોલીસ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.