કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે આવશે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે ગૃહપ્રધાન અમિત શાહ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટ ઉપરાંત નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં યોજાશે. ગૃહપ્રધાન અમિતશાહના આગમનને લઈ આણંદ હેલિપેડ ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડએ ચેકિંગ કરી આગમનની તૈયારી કરી છે. અને અમુલથી હેલિપેડ સુધીનું પોલીસે સુરક્ષાની તપાસ કરી.
કેન્દ્રિય ગૃહપ્રધાન ૨ દિવસ પહેલા જ સ્નેહીજનના મૃત્યુને કારણે તેઓ અમદાવાદ આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. ડિસેમ્બર માસમાં અમિત શાહ આ ત્રીજી વખત ગુજરાત આવી રહ્યા છે. આ અગાઉ અમિત શાહ ૧૧ ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે , કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે કામોની ગતિ રોકાવા દીધી ન હતી. ભારતમાં સૌથી વિકસિત લોકસભામાં ગાંધીનગર લોકસભાનો સમાવેશ થાય તે માટે હું કોઈ જ કચાશ નહીં રાખું. ઉપરાંત તેમણે રસીકરણ અંગે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. તેમજ જે લોકોએ હજુ રસીનો બીજો ડોઝ નથી લીધો તેમને રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લેવી જોઇએ.