વિશ્વના સૌથી ઝડપથી વિકસતા રિટેલ માર્કેટમાં પ્રભુત્વ જમાવવાની રેસમાં એમેઝોને ફટકો ખમવાનો વારો આવ્યો છે. એમેઝોનના ફ્યુચર જૂથ સાથે 2019માં થયેલા ડીલને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ અપૂરતી જાણકારીના આધારે સ્થગિત કરવાનો નિર્ણય લેવાની સાથે વિગતો છૂપાવવા બદલ એમેઝોનને 202 કરોડનો દંડ કર્યો છે.
આ સાથે ફ્યુચર જૂથના રિલાયન્સ સાથેના 24,713 કરોડ ડીલનો માર્ગ મોકળો થયો છે. વાસ્તવમાં કેસનો પ્રારંભ ફ્યુચર જૂથે તેનો મહત્તમ હિસ્સો રિલાયન્સને 24,713 કરોડમાં વેચવામાં નિર્ણય કર્યો ત્યારથી થયો હતો. રિલાયન્સ સાથેના ફ્યુચર જૂથના સોદાને એમેઝોને પડકાર્યો હતો.
એમેઝોને ફ્યુચર અને રિલાયન્સ રિટેલ જૂથના સોદા સામે સિંગાપોરની લવાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ લવાદમાં ચુકાદો એમેઝોનની તરફેણમાં આવતા રિલાયન્સ સાથે ફ્યુચરનો સોદો અટક્યો હતો. નવેમ્બર 2020માં સિંગાપોર કોર્ટના આદેશ સામે ફ્યુચર રિટેલે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. આ દરમિયાન કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ અને ફ્યુચર રિટેલના સોદાને મંજૂરી આપી હતી.
ઓગસ્ટ 2019માં ફ્યુચર જૂથની કંપની ફ્યુચર કુપન્સમાં 20 કરોડ ડોલરનું રોકાણ કરી 7.3 ટકા હિસ્સો ખરીદનારી એમેઝોનની દલીલ હતી કે પોતે ફ્યુચર રિટેલમાં પરોક્ષ હિસ્સો ધરાવે છે અને વધુ રોકાણ કરી કંપની ચલાવી શકે છે.
આ લડાઈમાં કોમ્પિટિશન કમીશન સમક્ષ ફ્યુચર રિટેલ દ્વારા માર્ચ 2021માં ફરીથી ફરિયાદ કરવામાં આવી હતી કે એમેઝોન દ્વારા અગાઉ કરવામાં આવેલા રોકાણ માટે કોમ્પિટિશન કમીશન દ્વારા 2019માં આપવામાં આવેલી મંજૂરી સમયે હકીકત છુપાવવામાં આવી છે. એમેઝોને ફ્યુચર કુપનમાં જ રોકાણ કર્યું છે અને ફ્યુચર રિટેલમાં હિસ્સો ખરીદવાની કે તેની સાથે ભાગીદારી કરવાની કોઈ તૈયારી નથી.
જયારે હવે, એમેઝોન ફ્યુચર રિટેલમાં પોતાનો પરોક્ષ હિસ્સો છે અને તે વધુ રોકાણ કરવા તૈયાર છે એવી વાત આગળ ધરી રિલાયન્સ અને ફ્યુચર જૂથ વચ્ચેનો સોદો રોકી રહી છે. એમેઝોન કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆતમાં હકીકત છૂપાવી રહી છે અને એટલે 2019ની મંજૂરી રદ્દ થવી જોઈએ. જુલાઈ 2021માં થયેલી આ અરજીના સંદર્ભમાં આજે ચુકાદો આવ્યો છે અને કોમ્પિટિશન કમિશને ફ્યુચર જૂથની દલીલ ગ્રાહ્ય રાખી છે.
સીસીઆઇ દ્વારા આદેશ
* અમેઝોને જાણી જોઈ 2019માં કોમ્પિટિશન કમીશન ઓફ ઇન્ડિયા સમક્ષ, ફ્યુચર ગ્રૂપ સમક્ષ હકીકત છુપાવી છે.
* એમેઝોને 2019માં કરેલી અરજીમાં આપવામાં આવેલી મંજુરી આજના ઓર્ડરથી સ્થગિત કરવામાં આવે છે.
* એમેઝોન ફ્યુચર રીટેલના શેરહોલ્ડર સમક્ષ વિગતો રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે.
* હકીકત છુપાવવા માટે એમેઝોનને રૂ.202 કરોડનો દંડ