રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 27 ટકા મતદાન થઇ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 26 ટકા, ઉત્તર ગુજરાતમાં 27 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 32 ટકા, મધ્ય ગુજરાતમાં 24 ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.
રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.પંચાયતની ચૂંટણી માટે કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદાર છે, જ્યારે 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.