ગુજરાતમાં ગત ૧૨ ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ૩ દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી પહોચ્યું હતું. સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીકના બનાવમાં પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી છે. ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે તેમનાં પર લાઠીચાર્જ કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.
હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા આજે કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આપ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી. તેમજ પેપર લીક કાંડમાં જેમની સંડોવણી છે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માગ કરી હતી. યુથ વિંગના પ્રવીણ રામે જણાવ્યું હતું કે. આમ આદમી પાર્ટી અને યુથ વિંગ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે છે.
પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા ગોપાલ ઈટાલિયાને પીઠમાં ઈજાના નિશાન ઉપસ્યા હોવાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોના માથામાં ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત આપ ના કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.