સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતી સહિતના બનાવોને રોકવા માટે સુરત પોલીસ એકશનમાં આવી છે. ઉપરાંત બાળકીઓ પોતાનો બચાવ કરી શકે સારા ખરાબ વિષે માહિતી મેળવી શકે તે માટે સુરત પોલીસ હવે જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે.
સુરતમાં પોલીસ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ દુર્ઘટના ઘટે તો સ્વબચાવ કરી શકે તે માટે પ્રોફેશનલ ટ્રેનર દ્વારા સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે. કતારગામ ખાતે આવેલી મારુતિ વિદ્યાલયમાં પણ આજે સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ બેડ ટચની જાણકારી પોલીસની ટીમ દ્વારા આપવામાં આવી હતી.
ચોકબજાર પોલીસ મથકના મહિલા PSI વી.એન. પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં દુષ્કર્મના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકીઓ છેડતીથી પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તેમને જણાવ્યું કે, ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અમારો પ્રયાસ છે કે શાળાઓમાં આ પ્રકારનો એક પીરીયડ પણ રાખવામાં આવે જેમાં આ પ્રકારની ટ્રેનીંગ અને માહિતી પણ આપવામાં આવે. હાલમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. શાળાઓના શિક્ષકો અને વાલીઓ દ્વારા પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી છે.